બનાવટી ચેકો દ્વારા ટૂરિઝમ વિભાગના 68 લાખ રુપિયાની ઉચાપત
સરકાર સાથે છેંતરપિંડી કરનારા ચાર સામે ગુનો દાખલ
ટૂરિઝમ ડિરેક્ટોરેટના ખાતાનાં બનાવટી સહી સિક્કા સાથેના 15 ચેક રજૂ કરી રકમ અન્ય ખાતાંમાં વાળી લેવાઈ
મુંબઇ : મહારાષ્ટ્ર સરકારના ટુરિઝમ ડાયરેકટોરી સાથે ફ્રોડસ્ટરોએ અનોખી છેતરપિંડી કરી હતી. ચાર ફ્રોડસ્ટરોએ બનાવટી ચેકની મદદથી ટુરિઝમ ડિરેકટોરેટના ખાતામાંથી ૬૮ લાખ રૃપિયાની રકમ અન્ય ખાતાઓમાં વાળી દીધી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા મરીન ડ્રાઇવ પોલીસે ચાર જણ સામે ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યા બાદ ટુરિઝમ ડિરેકટોરેટના ચીફ અકાઉન્ટ્સ અધિકારી વિઠ્ઠલ ગંગારામ સુડે (૫૩)ની ફરિયાદના આધારે મરીન ડ્રાઇવ પોલીસે ગુનો નોંધ્યો હતો. સુડેની ફરિયાદ મુજબ ૧૩થી ૧૬ ફેબુ્રઆરીના સમયગાળામાં સ્ટેટ ટુરિઝમ ડિરેકટોરેટના બેન્કઓફ મહારાષ્ટ્ર, મંત્રાલય બ્રાન્ચના ખાતાના ૧૫ બનાવટી ચેક બનાવવામાં આવ્યા હતા. આ ચેક પર બનાવટી સ્ટેમ્પ મારવામાં આવ્યા હતા અને બનાવટી સહીઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ ચેકો બેન્કમા જમા કરાવવામાં આવ્યા હતા. આ ચેકોની રકમ અજાણ્યા ખાતાઓમાં જમા થયાની જાણ થતા જ ખળભળાટ મચી ગયો હતો.
આ ઘટના બાદ તરત જ અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા અને આ વાતની જાણ બેન્કને કરવાની સાથે જ પોલીસને આ ફ્રોડની માહિતી આપી અજાણ્યા ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધાવ્યો હતો. આ બાબતની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે કુલ રૃા.૬૮.૬૭ લાખની આ ઉચાપતની રકમમાંથી રૃા.૨૨.૭૯ લાખની રકમ આકાશ ડેના ખાતામાં , રૃા.૨૨.૭૩ લાખની રકમ તપન મંડલના, રૃા.૧૩.૯૧ લાખની રકમ લક્ષ્મી પાલ અને રૃા.૯.૨૪ લાખની રકમ આનંદા મંડલ નામની વ્યક્તિના ખાતામાં જમા થઇ હતી. ત્યાર બાદ ઉક્ત ચારેય વ્યક્તિઓ સામે પોલીસે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસમાં એવું પણ જણાયું હતું કે ફ્રોડસ્ટરોની આ ટોળકીએ થોડા સમય પહેલા રાજ્યના શિક્ષણ વિભાગ સાથે પણ આ રીતની છેતરપિંડી આચરી લાખો રૃપિયાની ઉચાપત કરી હતી. આ બાબતે શિક્ષણ વિભાગે પણ પોલીસમાં ફરિયાદ કરી ગુનો નોંધાવ્યો હતો. ટુરિઝમ ડિરેકટોરેટની છેતરપિંડીથી ઉટાવી લેવાયેલી રકમ જે ખાતામાં જમા થઇ હતી તે તમામ ખાતાઓ 'ફ્રીઝ' કરી દેવામાં આવ્યા છે.