મ્હાડાની નકલી વેબસાઇટ બનાવી અરજદારો પાસેથી 50 હજારનું ઉઘરાણું
મ્હાડાએ સાયબર ક્રાઈમમાં ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી
અધિકૃત વેબસાઈટ પર કોઈ જાતની સિક્યોરિટી ડિપોઝિટની માગણી થતી નથીઃ લોકોને સાવધ રહેવા અપીલ
મુંબઇ : મ્હાડા દ્વારા તાજેતરમાં જ મુંબઈમાં મકાનો માટે નવો ડ્રો જાહેર કરાયો છે તેવા સમયે જ ફ્રોડસ્ટરો મ્હાડાની નકલી વેબસાઈટ બનાવી લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. મ્હાડાએ આ સંબંધે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફ્રોડસ્ટરોએ મ્હાડા જેવી આબેહૂબ વેબસાઇટ બનાવી ઠગાઇ શરૃ કરી છે.
મ્હાડાએ તાજેતરમાં ૨૦૩૦ ફલેટના વેચાણ માટે લોટરી જાહેર કરી છે. આ યોજના હેઠળ મ્હાડાની વેબસાઇટ પર જ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા અને લોટરીમાં ભાગ લેવાની સુવિધા પ્રદાન કરવામાં આવી છે. જોકે આ સુવિધાનો લાભ લેવા માગતા લોકોને ઠગવા ફ્રોડસ્ટરો મેદાને પડયા છે અને આ લોકોએ મ્હાડા જેવી જ આબેહૂબ બનાવટી વેબસાઇટ બનાવી સિક્યોરિટી એમાઉન્ટ તરીકે ૫૦ હજારની રકમ સ્વીકારવાનું શરૃ કર્યું છે.
આ વાતની જાણ થતા જ મ્હાડાના અધિકારીઓ ચોંકી ગયા હતા અને તરત જ મુંબઇ પોલીસના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે અજાણ્યા ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે. આ બાબતે વધુ વિગત આપતા મ્હાડાના સીઇઓ જાયસ્વાલે માધ્યમોને જણાવ્યું હતું કે મ્હાડાની અધિકૃત વેબસાઇટ પરથી અરજી સમયે કોઇ સિક્યોરિટી રકમ માગવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે મ્હાડાની જે બનાવટી વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે તેનું એડ્રેસ સરચગચ.ર્યિ છે. જો કોઇ વ્યક્તિ ભૂલથી આ વેબસાઇટને મ્હાડાની સાચી વેબસાઇટ માની તેનો સંપર્ક કરે તો ૫૦ હજાર રૃપિયાની સિક્યોરિટી ડિપોઝીટની માગણી કરવામાં આવે છે. આ વેબસાઇટ અધિકૃત વેબસાઇટથી આબેહૂબ મળતી આવતી હોવાથી લોકો સિક્યોરિટી ડિપોઝીટની રકમ મોકલી આપે છે અને ઠગાઇનો ભોગ બની રહ્યા છે. આ રીતે મ્હાડાના ફલેટ ખરીદવા ઇચ્છુક અમૂક લોકો છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા છે. આ લોકો હવે મ્હાડાની ઓફિસમાં આવી પૂછપરછ કરે છે. મ્હાડાને આ વાતની જાણ થયા બાદ તરત પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ફ્રોડસ્ટરો લોકોને ખોટી રસીદ પણ આપી રહ્યા છે.
મ્હાડાના દાવા અનુસાર અધિકૃત વેબસાઇટ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને દસ્તાવેજોની પણ યોગ્ય ચકાસણી થાય છે. બધુ બરોબર જણાય તો જ લોટરી માટે નામ શોર્ટલિસ્ટ થાય છે. અને ત્યારબાદ જ સિર્યોરિટી ડિપોઝીટની રકમ ભરવાનો વિકલ્પ ખુલ્લો થાય છે તેથી આવી બનાવટી વેબસાઇટથી સાવધાન રહેવાની સલાહ તેમણે મ્હાડાના ઘર ખરીદવા ઇચ્છુકોને આપી હતી.