શેરબજારમાં નફાના બહાને વૃદ્ધ પાસેથી ૧.૧૨ કરોડ ખંખેર્યાઃ યુવકની ધરપકડ

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
શેરબજારમાં નફાના બહાને વૃદ્ધ પાસેથી ૧.૧૨ કરોડ ખંખેર્યાઃ યુવકની ધરપકડ 1 - image


- વ્હોટસ એપ ગૂ્રપમાં ઉચ્ચ વળતર મળ્યું હોવાનું દર્શાવ્યું

- ટેકનિકલ પુરાવાની મદદથી દીપક ચવ્હાણની બાન્દ્રાથી ધરપકડઃ આરોપીના ૩૩ બેન્ક ખાતામાંથી રૂ.૮૨ લાખ પાછા મેળવવામાં આવ્યા

મુંબઈ : શેરબજારમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ પર ઉચ્ચ વળતર આપવાના બહાને વરિષ્ઠ નાગરિક સાથે રૂ.૧.૧૨ કરોડની છેતરપિંડી કરનારા ૩૪ વર્ષીય યુવકની મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે 'બાંદરાથી આરોપી દીપક ચવ્હાણને પકડવામાં આવ્યો હતો. પોલીસે ૩૩ બેન્ક ખાતામાં જમા કરવામાં આવેલા રૂ.૮૨ લાખ પાછા મેળવ્યા છે.

ફરિયાદી સંદિપ દેશપાંડે (ઉં.વ.૬૮) પાસે આરોપી ચવ્હાણે જુદા જુદા બેન્ક ખાતામાં ડિસેમ્બર, ૨૦૨૩થી ગત ફેબુ્રઆરી દરમિયાન રૂ.૧.૧૨ કરોડ જમા કરાવ્યા હતા.

વૃધ્ધ ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે 'તેમને ડિસેમ્બરમાં જુદા જુદા નંબરો પરથી ઘણા વોટ્સએપ મેસેજ મળ્યા હતા. તેમને શેર ટ્રેડીંગ ગુ્રપમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

દેશપાંડે ગુ્રપમાં સામેલ થયા હતા. આરોપીઓએ દેશપાંડેને તેમના નામથી ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આરોપીના જણાવ્યા મુજબ તેમણે ખાતામાં પૈસા જમા કર્યા હતા. દેશપાંડેને રોકાણ પર સારુ વળતર મળી રહ્યું હોવાનું બતાવવામાં આવ્યું હતું.

પીડિત દેશપાંડેએ પૈસા માંગ્યા ત્યારે આરોપીએ એડવાન્સ ટેક્સ મળવા કહ્યું હતું. છેવટે તેમને શંકા ગઈ હતી અને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ટેકનિકલ પુરાવાઓની મદદથી ચવ્હાણની શોધખોળ કરી ઝડપી લીધો હતો.



Google NewsGoogle News