મણિપુર હિંસા અને અશાંતિ માટે બાહ્ય પરિબળો જવાબદારઃ ભાગવત

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
મણિપુર હિંસા અને અશાંતિ માટે બાહ્ય પરિબળો જવાબદારઃ ભાગવત 1 - image


દશેરા ભાષણમાં ભાગવતની લોકોને સાવધ રહેવાની અપીલ

સાંસકૃતિક માર્કસવાદીઓના પગપેસારા સામે ચિંતા વ્યક્ત કરીઃ જાન્યુ-24માં રામમંદિરના ઉદઘાટનની ઉજવણી માટે તૈયાર રહેવા જણાવ્યું

મુંબઈ :  મણીપૂર હિંસામાં સરહદ પારના બાહ્ય અંતિમવાદીઓ જવાબદાર હોઈ શકે છે તેમ આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં સંઘની પરંપરાગત દશેરા રેલીને સંબોધન કરતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ઈશાન રાજ્યમાં મેઈટી અને કૂકી જાતિના લોકો લાંબા સમયથી શાંતિથી સાથે રહ્યા હતા. અચાનક ઉશ્કેરણી થઈ છે અને અવિરત હિંસા જારી છે તેની પાછળ બાહ્ય પરિબળો જવાબદાર હોઈ શકે છે. તેમણે દેશના લોકોને વિભાજનકારી પરિબળો સામે સાવધ રહેવા જણાવ્યું હતું. 

ભાગવતે જણાવ્યું હતું કે મણિપુરમાં હિંસા થઈ નથી રહી પરંતુ સર્જવામાં આવી રહી છે. આ એક ષડયંત્ર છે. 

ભાગવતે દેશમાં શિક્ષણ અને સંસ્કૃતિ પર નકારાત્મક પ્રભાવ પાડવા મીડિયા અને એકેડમીમાં પોતાની વગનો ઉપયોગ કરનાર તત્વો અને સાંસ્કૃતિક માર્ક્સવાદીઓ બાબતે પણ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ લોકો માર્કસવાદના મૂળ સિદ્ધાંતોથી ભટકી ચૂક્યા છે. 

તેમણે લોકોને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા મંદિર ખાતે ભગવાન રામની પ્રતિમા સ્થાપવામાં આવશે ત્યારે સમગ્ર રાષ્ટ્રમાં આ અવસરની ઉજવણી કરવા જણાવ્યું હતું. 

ભાગવતે મણિપુરમાં શાંતિ સ્થાપવામાં સહાય કરવા માટે આરએસએસના કાર્યકરોની પ્રશંસા કરતા આગામી ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં મતદાનના લાભ માટે લાગણી ઉશ્કેરતા તત્વો સામે સાવધ રહેવાની અપીલ  કરી હતી. 

ભાગવતે મતદાન કરતી વખતે એકતા, નિષ્ઠા, ઓળખ અને વિકાસના મહત્વનો વિચાર કરવાની હાકલ કરી હતી.  તેમણે નોંધ કરી કે તમામ મુદ્દાનો ઉકેલ એકતાથી ન આવી શકે પણ ભારતના વિવિધ પાસાઓને જોડતા સાંસ્કૃતિક તત્વો પર ભાર મુક્યો હતો.

તેમણે જી૨૦ પરિષદના સફળ આયોજન માટે સરકારની પ્રશંસા કરતા ભારતની રાજકીય શક્તિ અને સદ્ભાવનાની સાબિતી હોવાનું જણાવ્યું.

આ દશેરા રેલીમાં બોલીવૂડના ગાયક શંકર મહાદેવન મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે સંઘની કામગીરીની પ્રશંસા કરી હતી. 

ભાગવતે  દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન પણ કર્યું હતું.  



Google NewsGoogle News