Get The App

મુંબઈમાં પોણાસાત લાખ ઉંદરોનો ખાતમો: 1 ઉંદર મારવા 23 રૃપિયા ચૂકવાયા

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
મુંબઈમાં પોણાસાત લાખ ઉંદરોનો ખાતમો: 1 ઉંદર મારવા 23 રૃપિયા ચૂકવાયા 1 - image


લેપ્ટોસ્પાયરોસિસ સહિતની બીમારી ફેલાતી અટકાવવા ઝુંબેશ

ઉંદરની જોડી 1 વર્ષમાં લગભગ 15 હજાર ઉંદર પેદા કરવામાં કારણભૂત બને છે

મુંબઇ :  મુંબઈમાં ચોમાસા દરમિયાન લેપ્ટોસ્પાયરોસિસ સહિતની બીમારીઓ ફેલાતી અટકાવવા માટે મહાપાલિકાએ લાંબા સમયથી આદરેલી ઝુંબેશ હેઠળ લગભગ પોણાસાત લાખ ઉંદરોનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો. ઉંદર મારવાની કામગીરી ૧૭ સંસ્થા બજાવે છે અને એક ઉંદર દીઠ ૨૩ રૃપિયા ચૂકવાય છે. આમ બીએમસીએ ઉંદરનાશક ઝુંબેશ પાછળ લાખો રૃપિયાનો ખર્ચ કર્યો છે.

લેપ્ટોની બીમારી મુખ્યત્વે ઉંદરને લીધે ફેલાય છે. એટલે જ મહાપાલિકાએ મૂષક નિયંત્રણ ઝુંબેશ હાથ ધરી જાન્યુઆરી ૨૦૨૩થી મે ૨૦૨૪ દરમિયાન ૬,૭૧,૬૪૮ ઉંદરોનો નાશ કર્યો હતો. મુંબઈના નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે ઘરમાં ઉંદર હોય તો તરત તેનો નિકાલ કરો. ચોમાસામાં પાણી ભરાય એમાં ઉંદર, કૂતરા અને બિલાડીના મળમૂત્ર ભળે છે. એ પાણીમાં ચાલવાથી જે પગમાં જખમ હોય તો લેપ્ટોની બીમારી થવાનો સંભવ રહે છે. એટલે પાણી ભરાયું હોય એમાંથી પસાર થવું પડે તો ઘરે જઈને જંતુનાશકથી પગ ધોઈ નાખવાની આરોગ્ય વિભાગે સલાહ આપી છે.

મૂષક નિયંત્રણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉંદર અથવા મોટા ઘૂસનું આયુષ્ય સામાન્ય રીતે ૧૮ મહિનાનું હોય છે. ઉંદરડી ગર્ભધારણ કર્યા પછી ૨૧-૨૨ દિવસમાં બચ્ચાંને જન્મ આપે છે. સામાન્ય રીતે એકી વખતે પાંચથી ૧૪ બચ્ચાંને જન્મ આપે છે. આ બચ્ચાં પાંચ જ અઠવાડિયામાં પ્રજનન ક્ષમતા મેળવી લે છે અને એ નવા બચ્ચાંને જન્મ આપે છે.

આમ ઉંદરની એક જોડી એક વર્ષમાં સાધારણ રીતે ૧૫ હજાર નવા ઉંદરો પેદા કરે છે. આ ઉંદરો જુદી જુદી બીમારીઓ ફેલાવે છે, એટલે જ તેના નિકંદન માટે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.



Google NewsGoogle News