મમતા કુલકર્ણી અને તેને મહામંડલેશ્વર બનાવનાર ત્રિપાઠીની અખાડામાંથીહકાલપટ્ટી
કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસની મંજૂરી જ લીધી નહોતી
સનાતન ધર્મ અને સમાજના હિતમાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદેથી હાંકી કાઢવી પડીઃ અજય દાસ
એક જમાનાની બોલીવૂડની હિરોઇન મમતા કુલકણીએર્ ગયા શુક્રવારે પ્રયાગરાજમાં મહાકુંભમાં સંગમ તટે પિંડદાન કરી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની મમતાનંદ ગીરી નામ ધારણ કર્યું હતું પણ એક જ અઠવાડિયામાં મમતા કુલકર્ણી અને તેને મહામંડલેશ્વર બનાવનાર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની પણ કિન્નર અખાડામાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે મારી જાણ બહાર મમતા કુલકર્ણીને અખાડામાં નીમીને ત્રિપાઠીએ અખાડાનો દ્રોહ કર્યો હોઇ તેમને પણ અખાડામાંથી રવાના કરવામાં આવ્યા છે.
કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે મહામંડલેશ્વર ત્રિપાઠી અને અખાડાના અન્ય સભ્યોએ ગ્લેમરસ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવી સનાતન ધર્મના સિદ્ધાંતોની વિરૃદ્ધ કૃત્ય કર્યું છે. કોઇ ધાર્મિક કે અખાડાની પરંપરાનું પાલન કર્યા વિના જ તેને સીધી મહામંડલેશ્વરની પદવી અને પટ્ટો આપી દેવામાં આવતાં તેને દેશ, સનાતન ધર્મ અને સમાજના હિતમાં તેના પદ પરથી રવાના કરવાની મને ફરજ પડી છે.
દાસે આક્ષેપ કર્યો હતો કે મહામંડલેશ્વર ત્રિપાઠી દ્વારા ૨૦૧૯માં યોજાયેલાં કુંભ મેળામાં ઋષિદાસની સંમતિ વિના જુના અખાડા સાથે સોદો કરવામાં આવ્યો હતો. આ સોદા હેઠળ જરૃરી વિધિ વિધાન કર્યા વિના જ અથવા સાંસારિક જરૃરિયાતોનો ત્યાગ કર્યા વિના જ લોકોને અખાડામાં જોડવામાં આવતાં હતા. આ રીતે તેઓ સનાતન ધર્મ અને સમાજ સાથે દ્રોહ કરી રહ્યા હોવાથી મારે જાહેર હિતમાં અને ધર્મના હિતમાં આ તમામ માહિતી આપવી પડી છે.
મમતા કુલકર્ણીને અખાડામાં સામેલ કરવા સામે વિરોધ કરતાં કથાવાચક જગતગુરુ હિમાંગી સખી માએ જણાવ્યું હતું કે મમતા કુલકર્ણીના વિવાદો જગજાહેર હોઇ તેને મહામંડલેશ્વર બનાવવા સામે સવાલ ઉભાં થયા હતા. કિન્નર અખાડા દ્વારા પબ્લિસિટી માટે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવાઇ હતી.ભૂતકાળમાં ડ્રગ્સના કેસમાં તે જેલમાં પણ જઇ આવી છે. અચાનક તે ભારતમાં આવી મહાકુંભમાં ભાગ લે અને તેને મહામંડલેશ્વર બનાવી દેવામાં આવે તે બાબતની તપાસ કરવાની જરૃર છે.
૧૯૯૧માં તમિલ ફિલ્મ નનબરગલ સાથે કારકિર્દીની શરૃઆત કરનાર મમતા કુલકર્ણીએ એ જ વર્ષે હિન્દીમાં મેરાદિલ તેરે લિયેથી હિન્દી ફિલ્મ દુનિયામાં પ્રવેશ કર્યો હતો. એ પછી ૩૪ ફિલ્મોમાં સલમાનખાનથી માંડી શાહરૃખખાન અને અજય દેવગણ સાથે કામ કરી ચૂકેલી મમતા કુલકર્ણીની છેલ્લી ફિલ્મ ૨૦૦૨માં કભી તુમ કભી હમ આવી હતી. મમતા કુલકર્ણીની કારકિર્દી વિવાદાસ્પદ રહી હતી. તેણે ૧૯૯૩માં સ્ટારડસ્ટ ફિલ્મ મેગેઝિનના કવર માટે ટોપલેસ ફોટો શૂટ કરાવ્યું હતું.