ધો.12ની સાયકોલોજીનું પેપર ખોવાઈ જતાં પરીક્ષા મુલત્વી
હવે પરીક્ષા તા. 4થી એપ્રિલે લેવાશે
સીઆઈએસસીઈ બોર્ડે મહિનામાં 2જી વખત પરીક્ષા મોકૂફ કરવી પડી
મુંબઈ : કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ એક્ઝામિનેશન્સ (સીઆઈએસસીઈ) એ ધો.૧૨ની સાયકોલોજી (માનસશાસ્ત્ર)ની પરીક્ષા પાછળ ધકેલી છે. આ પરીક્ષા આજે ૨૭ માર્ચના થવાની હતી. પરંતુ પરીક્ષાના પ્રશ્નપત્રનું પેપર ખોવાતાં આ પરીક્ષા હવે ચોથી એપ્રિલે બપોરે બે વાગ્યે લેવાશે.
સીઆઈએસસીઈએ ધો.૧૨ની પરીક્ષા કે ઈન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ (આઈએસસી) પરીક્ષા પાછળ ધકેલવી પડી હોય તેવી મહિનાભરમાં આ બીજી ઘટના બની છે. આ પૂર્વે ૨૬ ફેબુ્રઆરીએ બોર્ડે 'અનપેક્ષિત પરિસ્થિતી' નું કારણ આપી ધો.૧૨ની રસાયણશાસ્ત્રની પરીક્ષા રદ્દ કરી હતી.
પરીક્ષાના એક દિવસ પહેલાં બોર્ડે જાહેર કરેલ પબ્લિક નોટીસમાં જણાવ્યું હતુે કે, આઈએસસી વર્ષ ૨૦૨૪ના પરીક્ષા કેન્દ્રોમાંથી એક કેન્દ્રએ માનસશાસ્ત્ર વિષયની પ્રશ્નપત્રિકાનું પેકેટ ખોવાયાની માહિતી આપી છે. ત્યારબાદ આ પરીક્ષા ચોથી એપ્રિલને ગુરુવારના રોજ લેવાનું નક્કી કરાયું છે.આછી હવે આ પરીક્ષા ચોથી એપ્રિલે સાયકોલોજીના પેપર સાથે પૂરી થશે. બોર્ડે આજની પરીક્ષાના તમામ પ્રશ્નપત્રો પાછા મગાવી લીધા છે અને સ્કૂલોને જલ્દીથી જ પ્રશ્નપત્રોનો નવો બંચ પહોંચાડવામાં આવશે.