કુર્લાનો પ્લોટ હડપ કરવા એનસીપી નેતા નવાબ મલિક અને દાઉદની બહેન વચ્ચે સાંઠગાંઠના સબળ પુરાવા
વિશેષ કોર્ટે મલિકના જામીન નકારતા ચુકાદામાં જણાવ્યું
નવાબ મલિકે હસીના પારકર અને મુંબઈ બ્લાસ્ટ કેસના ગુનેગારની મદદથી બળજબરીથી જમીન પડાવી લીધી હોવાનો આરોપ
મુંબઈ, તા. ૦૭
મની લોન્ડરિંગ કેસમાં ગયા અઠવાડિયે એનસીપી નેતા નવાબ મલિકને જામીન નકારનાર વિશેષ અદાલતે તેના આદેશમાં કહ્યું હતું કે કુર્લા (પશ્ચિમ) ખાતે જમીનનો પ્લોટ હડપ કરવા માટે દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકર અને તેના સહયોગી સાથે મલિકની સંડોવણીના પુરાવા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના જણાવ્યા મુજબ, મલિકે મુનિરા પ્લમ્બરની મોકાની જમીન હડપ કરવા માટે દાઉદ ગેંગ સાથે કાવતરું ઘડયું હતું અને તેનું સંપાદન મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ *ગુનાની આવક* છે.
તે સમયે મિલકતની બજાર કિંમત રૃ.૩.૩ કરોડ હતી પરંતુ મલિકે પ્લમ્બર દ્વારા પાવર ઓફ એટર્ની આપવામાં આવેલ વ્યક્તિને રૃ.૨૦ લાખ ચૂકવ્યા હતા. એજન્સીના મતે આ સંપાદન બળજબરી અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ દ્વારા થયું હતું.
પોતાના ચુકાદામાં વિશેષ કોર્ટે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ એવા પુરાવા છે કે જમીન હડપવા માટે મૃતક હસીના પારકર (દાઉદની બહેન), સલીમ પટેલ (તેનો સહયોગી) અને અરજદાર (મલિક) વચ્ચે ષડયંત્ર રચાયું હતું.
એમાં વધુ જણાવાયું હતું કે પારકર પટેલ મારફત જમીનની વ્યવસ્થા સંભાળતી હતી. આ કેસના સહઆરોપી અને ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ કેસના ગુનેગાર સરદાર ખાનનો ઉલ્લેખ કરીને કોર્ટે એમ પણ કહ્યું કે તે પણ આ ષડયંત્રનો હિસ્સો હોવાનું જણાય છે. ખાનને તેના કાર્ય માટે મલિક જેનો ડાયરેક્ટર છે તે સોલિડસ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રા. લિ. પાસેથી ૩૭૮ ચો.મી. કવર કરેલો એરીયા મળ્યો હતો.
ઈડીના મતે જમીન પ્લમ્બરની જાણ વિના પાવર ઓફ એટર્ની ધરાવતા પટેલ મારફત મલિકની કંપનીને વેંચવામાં આવી હતી.
નેતા સામે કેસ સંભાળી રહેલા કોર્ટના વિશેષ ન્યાયાધીશે જણાવ્યું કે મલિકને પારકર અને પટેલ જમીનમાં સંડોવાયેલા હોવાની જાણકારી હતી અને સાક્ષીઓના નિવેદનથી જણાયું હતું કે બંને જણા બળજબરી, જમીન હડપવી, પતાવટ અને અન્ય ગેરકાયદે ગતિવિધિઓ કરી રહ્યા હતા.
મલિકના વકીલે દલીલ કરી હતી કે ખાન મુંબઈ ધડાકાનો ગુનેગાર હોવાથી તેને વિશ્વસનીય સાક્ષી ન ગણી શકાય, ઉપરાંત તે સહ-આરોપી પણ છે.
કોર્ટે કબૂલ કર્યું કે સહ-આરોપીની સાક્ષી નબળી કહેવાય પણ રેકોર્ડ પર રહેલા અન્ય પુરાવાની પુષ્ટી કરવા તેને ધ્યાનમાં લઈ શકાય.