મુંબઈ ફરવા આવેલા 4 યુવકો પાસેથી પૈસા પડાવી વાનખેડે સ્ટેડિયમમાં એન્ટ્રી
સ્ટેડિયમના સ્ટાફે આ યુવકો કામ કરવા આવ્યા હોવાનું જણાવી ઘૂસાડયા
સિક્યોરિટી ચેકિંગમાં ભાંડો ફૂટયોઃ ચર્ચગેટ સ્ટેશન પાસે પૃચ્છા કરતા યુવકો પાસેથી 15 હજાર પડાવ્યા
મુંબઈ : મુંબઈ સહિત દેશભરમાં હાલ આઈપીએલની મેચો યોજાઈ રહી છે અને ક્રિકેટ ચાહકો ટિકિટ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે તેવામાં ચાર યુવાનોને કામદાર હોવાનું જણાવી સ્ટેડિયમમાં પ્રવેશ આપવા પ્રકરણે સ્ટેડિયમના બે કથિત કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપી મોહમ્મદ ખાન અને ઈફતીકાર ખાને મિરજથી મુંબઈ ફરવા આવેલા ચાર યુવકોને ૧૫ હજાર રૃપિયા લઈને સ્ટેડિયમમાં પ્રવેશ આપ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર મિરજથી મુંબઈ ફરવા આવેલા ચાર યુવાનો ચર્ચગેટ સ્ટેશન બહાર ઉભા હતા. આ સમયે મોહમ્મદ ખાન અને ઈફતીકાર ખાન બન્ને ગળામાં ચોકલેટી રંગના આઈકાર્ડ પહેરી ત્યાંથી પસાર થયા હતા. આ લોકોના આઈકાર્ડ પર આઈપીએલનો લોગો હોવાથી મિરજના યુવાનોએ તેમને મેચની ટિકિટ મળશે કે તે બાબતે પૃચ્છા કરી હતી.
આ સમયે મુંબઈ અને હૈદ્રાબાદ વચ્ચે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. મોહમ્મદ ખાન અને ઈફતીકાર ખાને તમને સ્ટેડિયમમાં પ્રવેશ અપાવી દઈશું તેવું જણાવી મેચ ચાલુ થાય તે પહેલાં બન્નેને સ્ટેડિયમમાં લઈ જઈ અંદર બેસાડયા હતા.
મેચ શરૃ થાય તે પહેલાં સિક્યોરિટીના માણસોએ આ લોકો પાસે ટિકિટ માગતા તેઓ મૂંઝાયા હતા અને ૧૫ હજાર રૃપિયા લઈ મોહમ્મદ અને ઈફતીકાર ખાને તેમને સ્ટેડિયમમાં પ્રવેશ આપી અંદર બેસાડયા હતા તેવું જણાવ્યું હતું. આ ઘટના બાદ સિક્યોરિટીની ટીમે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોહમ્મદ ખાન અને ઈફતીકાર ખાન સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.