10 હજારથી વધુની રોકડ સાથે મંત્રાલયમાં એન્ટ્રી નહીં મળે

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
10 હજારથી વધુની રોકડ સાથે મંત્રાલયમાં એન્ટ્રી નહીં મળે 1 - image


પ્રજા માટે મંત્રાલયમાં પ્રવેશવું સાત કોઠા વિંધવા જેવું મુશ્કેલ બનશે

 પ્રજા માટે અને પ્રજાના નામે ચાલતી ઓફિસોમાં  કોમન મેનને  એન્ટ્રી માટે જાતભાતના નિયમોઃ દૂરદૂરથી આવનારા હેરાન થશે

મુંબઇ :  નાગરિકો દ્વારા મંત્રાલયમાં ઘૂસીને દેખાવો કરવાના અને આત્મહત્યા કરવાના પ્રયાસોના બનાવોમાં સતત વધારો થતાં રાજ્ય સરકારે આ દેખાવકારોની મૂળ સમસ્યાઓના નિવારણની કોઈ વ્યવસ્થા ગોઠવવાને બદલે દરેક કોમનમેન માટે જ મંત્રાલયમાં પ્રવેશવું અઘરું બનાવી દીધું છે. કલર કોડ, ઉચ્ચધિકારીની લેખિત મંજૂરી, ટાઈમિંગ સહિતના નિયમોને કારણે મંત્રાલયમાં પ્રવેશવાનું સાત કોઠા વિંધવા જેવું અઘરું થઈ ગયું છે. આ અભેદ્ય ગણાવાતી સુરક્ષા વ્યવસ્થા એક મહિનામાં લાગુ કરવાનો રાજ્યના ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે. 

ગૃહમંત્રાલયે જારી કરેલા વિશદ આદેશો અનુસાર મુલાકાતીઓને હવે એન્ટ્રી પાસમાં  જે વિભાગ અથવા માળ પર જવાનું લખ્યું હશે ત્યાં જ જવા દેવામાં આવશે. હવે મુલાકાતીઓ ફાવે તેમ મંત્રાલયમાં ફરી શકશે નહીં. 

મંત્રાલયમાં આત્મહત્યા કરવાના બનાવોની સંખ્યા વધી જવાને પગલે રાજ્ય સરકારે ૨૦૧૮માં સુરક્ષા જાળી લગાવી હતી.સિંચાઇ યોજનામાં જેમની જમીન હસ્તગત કરવામાં આવી હતી તેમને પૂરતું વળતર ન મળ્યું હોય તેવા ૨૦ કરતાં વધારે ખેડૂતોએ ઓગસ્ટ ૨૦૨૩માં આ જાળીમાં ભૂસકા મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા પરિપત્ર  જારી કરવામાં આવ્યો તે જ દિવસે એક જણે જાળીમાં ભૂસકો મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે સરકાર આ પ્રકારે કરવામાં આવતી આત્મહત્યાને નિવારવા માટે સ્ટીલના દેખાય નહીં તેવા વાયરોની જાળી નાંખશે. 

મૂળમાં તો હવે મુલાકાતીઓ માટે મંત્રાલયમાં પ્રવેશવાનું જ અઘરૃ બનાવી દેવામાં આવ્યું છે. હવે મુલાકાતીઓને દરેક માળ અનુસાર ચોકક્સ કલર કોડ ધરાવતો ગેટ પાસ આપવામાં આવશે જેથી અન્ય માળ પર મુલાકાતી જઇ શકશે નહીં. આ સિસ્ટમ એક મહિનામાં અમલી બનાવવામાં આવશે. મુલાકાતીઓને દસ હજાર રૃપિયા કરતાં વધારે રોકડ રકમ પણ લઇ જવા દેવામાં આવશે નહીં. જોકે, આ નિયમ સામે ભારે ઉહાપોહ થાય તેવી સંભાવના છે. રાજ્યના રત્નાગીરી, નાગપુર, પરભણી જેવા દૂર દૂરના વિસ્તારમાંથી રજૂઆત માટે આવતા સામાન્ય નાગરિકો પ્રવાસ ખર્ચ તથા અન્ય જોગવાઈ માટે ચોક્કસ રોકડ પોતાની સાથે રાખતા હોય છે. તેમને હવે મુશ્કેલીનો સામનો કરવો પડશે. 

દરેક પ્રધાનની ઓફિસમાં મુલાકાતીઓ માટે પ્રવેશ પાસ જારી કરવા માટે એક અધિકારીને ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટિ નીમવામાં આવશે. જ ે તે વિભાગના સેક્રેટરીની મંજૂરી સિવાય એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગમાં પ્રવેશવા માટે કોઇ એન્ટ્રી પાસ જારી કરવામાં આવશે નહીં. આને માટે કોઇ મૌખિક કે  ટેલિફોન કરીને સૂચના પણ આપી શકાશે નહીં. આ ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં વાહનોની  સંખ્યાને પણ મર્યાદિત કરી નાંખવામાં આવશે. હવે મુખ્ય પ્રવેશ દ્વારેથી માત્ર સીએમ, ડપ્યુટી  સીએમ અને પ્રધાનો તથા તેમના કાફલાના વાહનો જ  પ્રવેશી શકશે. સેક્રેટરીઓના વાહનોને પણ સેક્રેટરી ગેટમાંથી જ  પ્રવેશ આપવામાં આવશે. અન્ય પાસ ધરાવતાં વાહનોન ે માત્ર ગાર્ડન ગેટમાંથી જ પ્રવેશ આપવામાં આવશે. સરકારે હવે મંત્રાલય પરિસરમાં સાંજે સાડા પાંચ વાગે પ્રવેશ બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે.  સિક્યુરિટી  ટીમને સાંજે સવા છ વાગ્યા સુધીમાં વહીવટી  બિલ્ડિગો ખાલી કરાવી નાંખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

આમ, પ્રજા જેમને ચૂંટીને મંત્રાલયમાં મોકલે છે તે પ્રજાએ હવે તેમની સમસ્યાઓ ઉકેલવા મંત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે તેમના ચૂંટેલા  પ્રધાનો અને તેમના અમલદારોની મુનસફી પર આધાર રાખવાનો વારો આવશે.  



Google NewsGoogle News