સમગ્ર પરિવાર આઘાતમાં છે, અમારી પ્રાઈવસી જાળવોઃ મલાઈકા
મલાઈકા અરોરાએ આજે મોડી સાંજે એક મેસેજમાં જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમથી તેમનો પરિવાર ભારે આઘાતમાં છે. તેણે સૌને પરિવારની પ્રાઈવસી જાળવવા અપીલ કરી હતી.
મલાઈકા અને અમૃતા ઉપરાંત તેમના સંતાનો તથા માતા સહિત સમગ્ર પરિવાર વતી જારી કરાયેલા મેસેજમાં જણાવાયું હતું કે અમારા પિતા અનિલ મહેતાના અવસાનની જાણ કરતાં અમને ભારે દુઃખ થાય છે. તેઓ એક ઉમદા આત્મા, એક સમર્પિત દાદ, એક પ્રેમાળ પતિ અને અમારા શ્રેષ્ઠ મિત્ર હતા. આ ખોટથી અમારું પરિવાર ભારે આઘાતમાં છે. આ કપરા સમયે મિત્રો તથા શુભેચ્છો અને મીડિયા અમારી પ્રાઈવસી જાળવે તેમ અમે ઈચ્છીએ છીએ. તમારી સમજ, સહકાર અને આદરની અમે કદર કરીએ છીએ.
કરીના, નેહા ધુપિયા સહિતની બહેનપણીઓ પહોંચી
એક્સ હસબન્ડ અને એક્સ બોયફ્રેન્ડ બંને વિપદા ટાણે દોડી આવ્યા
મલાઈકાના પિતાએ આપઘાત કર્યો હોવાના સમાચાર ફેલાતાં જ બોલીવૂડમાં સન્નાટો પ્રસરી ગયો હતો. તરત જ મલાઈકાના પિતાના નિવાસસ્થાને બોલીવૂડ સેલિબ્રિટીઓનો ધસારો શરુ થયો હતો.
મલાઈકાના ભૂતપૂર્વ સાસરિયાંમાંથી લગભગ તમામ કુટુંબીજનો સાંત્વન આપવા આવ્યા
મલાઈકાનો એકસ હસબન્ડ અરબાઝ ખાન તથા પુત્ર અરહાન ખાન તરત જ દોડી આવ્યા હતા. તેમની પાછળ પાછળ જ અરબાઝનો ભાઈ સોહેલ, સોહેલથી છૂટાછેડા લઈ ચુકેલી સીમા, સલીમ ખાન, સલમા ખાન, હેલન, અલ્વિરા અગ્નિહોત્રી પણ આવ્યાં હતાં અને પરિવારની ભૂતપૂર્વ સભ્ય મલાઈકાને સાંત્વન આપ્યું હતું.
મલાઈકાનો એક્સ બોયફ્રેન્ડ અર્જૂન કપૂર પણ આ દુઃખની ઘડીએ તેની પડખે ઊભો રહ્યો હતો.
મલાઈકાની ખાસ દોસ્ત કરીના કપૂર, નેહા ધુપિયા, કિમ શર્મા પણ તરત જ મલાઈકના પિતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કરીનાની સાથે સાથે સૈફ અલી ખાન પણ પહોંચ્યો હતો. થોડા સમયમાં જ અનન્યા પાંડે તેના પિતા ચંકી પાંડે સાથે પણ પહોંચી હતી.
મલાઇકા ૧૧ વર્ષની હતી ત્યારે મતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા
કેટલાંક વર્ષોથી સાથે રહેતાં હતાં,મલાઈકા આગલા દિવસે જ મળવા આવી હતી
બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ મલાઇકા અરોરા ૧૧ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાએ છુટાછેડા લઇ લીધા હતા.
મલાઇકાના પિતા અનિલ અગાઉ ઇન્ડિયન મર્ચન્ટ નેવીમાં હતા. તેઓ પંજાબી હિંદુ પરિવારમાંથી હતા. ભારતની બોર્ડર પર ફાજિલ્કા ખાતે તેમનું કુટુંબ રહેતું હતું. મલયાલી ખ્રિસ્તી પરિવારના જોયસ પૉલીકાર્ય સાથે અનિલે લગ્ન કર્યા હતા. પરંતુ તેમનું લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહોતું.
મલાઇકા માત્ર ૧૧ વર્ષની હતી ત્યારે તેના માતા- પિતા અલગ થઇ ગયા હતા. તેમણે એકબીજાને છુટાછેડા આપી દીધા હતા.
અગાઉ મલાઇકાએ એક ઇન્ટરવ્યુમાં માતા- પિતાના અલગ થવાના દુઃખની જાણ કરી હતી. અભિનેત્રીએ તેના એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'હું ૧૧ વર્ષની હતી ત્યારે મારા માતા-પિતાના છુટાછેડા થઇ ગયા હતા. પરંતુ તે જ સમયે મારી માતાને નવા દ્રષ્ટિકોણથી જીવન જોવાનો માર્ગ મળ્યો હતો. માતાને જીવનમાં ખૂબ કામ કરતા જોયા છે. તેની પાસેથી શીખવા મળ્યું કે જીવનમાં ગમે તેટલી સમસ્યાઓ હોય તો પણ બધુ કેવી રીતે ભૂલી જવું અને સવારે નવી શરૃઆત સાથે ઉઠવું.
મૃતક અનિલ અને પત્ની જૉયસ અલગ થઇ ગયા હોવા છતાં બંને તેમની પુત્રીઓ સાથે કૌટુંબિક પ્રસંગો અને તહેવારો સાથે જ ઉજવતા હતા. થોડા મહિના પહેલા અનિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મલાઇકા અને તેની માતા હોસ્પિટલમાંથી બહાર આવી રહ્યા હોવાના વીડિયો વાયરલ થયો હતો.
હાલમાં અનિલ અને જૉયસ સાથે રહેતા હતા ૧૦ સપ્ટેમ્બરના મલાઇકા અને તેની બહેન અમૃતા માતા-પિતાને મળવા ઘરે આવ્યા હતા. બીજા દિવસે અનિલના આત્મહત્યાની ઘટના બની હત.