ઈજનેરી વિદ્યાર્થીને ડ્રગ કેસમાં ફસાવી 20 લાખની ખંડણીની માંગ
પોલીસ કર્મીઓ, કેન્ટોનમેન્ટ બોર્ડના માજી ઉપાધ્યક્ષના પુત્રની સંડોવણી
પિંપરી ચિંચવડની ઘટનાઃ વિદ્યાર્થીના પિતા ખાનગી કંપનીમાં સીઈઓ હોવાથી પ્લાન બનાવી ખિસ્સામાં ગાંજાનું પેકેટ નાખી દીધું
મુંબઈ : પિંપરી ચિંચવડમાં એક ચોંકવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક એન્જિનિયરીંગના બીજા વર્ષમાં ભણતા યુવકને ડ્રગ્સ વેચવાના ખોટા ગુનામાં ફસાવાની ધમકી આપી યુવકના પિતા પાસેથી ૨૦ લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ કેસમાં બે પોલીસ કર્મચારીઓ અને કેન્ટોનમેન્ટ બોર્ડના ભૂતપૂર્વ વાઈસ ચેરમેનના પુત્ર સહિત કુલ આઠ શકમંદો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં હાલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના ૧૦ ફેબુ્રઆરીના રોજ રાત્રે ૧૧ વાગ્યાથી ૧૨ વાગ્યા વચ્ચે બની હતી.
ઝડપાયેલા આરોપીના નામ અનિલ ચૌધરી, કેન્ટોનમેન્ટ બોર્ડના ભૂતપૂર્વ વાઈસ ચેરમેનના પુત્ર અમન શેખ, હુસૈન ડાંગે, મોહમ્મદ અહમેર મિર્ઝા છે. તેમજ આ કેસમાં શંકર ગોર્ડે, મુન્નાસ્વામી, દેહુરોડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી હેમંત ગાયકવાડ, પોલીસ કોન્સ્ટેબલ સચિન શેજલ ફરાર છે. તમામ આઠ આરોપીઓ સામે હાલ આઈપીસીની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર બાપુ બાંગરના જણાવ્યા અનુસાર, ફરિયાદી ચૌહાણ કિવલેની સિમ્બાયોસિસ કોલેજમાં એન્જિનિયરીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છેે. તે કોલેજની હોસ્ટલમાં રહેતો હતો. તેના પિતા એક મોટી કંપનીમાં સીઈઓ છે. આ દરમિયાન તેની આરોપી અમન સાથે ઓળખાણ થઈ હતી. પૈસાની જરુર પડતાં આરોપીઓએ વૈભવસિંહને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.
અમન દેહુરોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી શેજલ અને ગાયકવાડને ઓળખતો હતો. તેથી તેણે પોલીસકર્મીઓ અને તેના અન્ય મિત્રો સાથે મળીને ફરિયાદી યુવક પાસેથી પૈસા પડાવવાની યોજના બનાવી હતી.
તેથી ૧૦ ફેબુ્રઆરીએ બપોરે ૧૨ કલાકે આરોપીએ વૈભવસિંહના ખિસ્સામાં તેને જાણ ન થાય. તે રીતે ગાંજાના પાંદડાવાળા પાઉડરનું પેકેટ વૈભવના ખિસ્સામાં નાખી દીધુ હતું. તે પછી તેઓ બધા કિવાલાના કેફે માં ગયા હતા. જે બાદ પોલીસ કર્મચારી ગાયકવાડ અને શેજલ પણ ત્યાં પહોંચી ગયા હતા અને તમામની તપાસ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે વૈભવસિંહના ખિસ્સામાં મુકેલો ગાંજાનો પાઉડરનું પેકેટ કાઢીને તપાસવાનો ડોળ કર્યો હતો.
ગાંજો હોવાનું કહી વૈભવસિંહને દેહુરોડ પોલીસ સ્ટેશમાં લઈ જવામાં આવ્યો હતો. તેમજ ગાંજા રાખવાના ખોટા કેસમાં ફસાવી અને જેલમાં ધકેલી દેવાની ધમકી આપીને વૈભવ સિંહના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ મામલામાં સમાધાન કરવાના નામે રુ. ૨૦ લાખની ખંડણી માંગવામાં આવી હતી. જે બાદ વાટાધાટો બાદ મામલો રુ. ૪.૯૮ ચુકવવા પર સહમત થયો હતો.ગભરાયેલા પિતાએ ગુગલ પે અને નેટ બેકિંગ દ્વારા આરોપીઓના વિવિધ ખાતાઓમાં રુ. ૪.૯૮ લાખ ટ્રાન્ફર કર્યા હતા.
આ ઘટના બન્યા બાદ વૈભવસિંહના પિતાએ તેના એક પરિચિતની મદદથી તાલેગાંવના દાભાડે પોલીસ સ્ટેશનમાં જઈ. ત્યાં ે વરિષ્ઠ પોલીસ અધિકારને સમગ્ર ઘટનાની જાણ કરી હતીં. તેથી આ ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ આ ષડયંત્રમાં સંડોવાયેલ આઠ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.તેમજ આ કેસમાં દેહુરોડ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તો પોલીસ કર્મચારી શેજલ અને ગાયકવાડ સહિત અન્ય બે આરોપીઓ હાલ ફરાર છે. હાલ પોલીસ તેમને શોધી રહી છે.તેમજ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.