પુણેમાં મહાવિતરણનો ઈજનેર 2 લાખની લાંચ લેતાં ઝડપાયો
5 લાખની રકમનો પહલો હપ્તો સ્વીકાર્યો
વિવિધ 5 ફાઈલ પર સહી કરવા 5 લાખની માગણી કરી હતી
મુંબઈ : પુણેમાં મહાવિતરણ (પુર્વેની એમએસઈબી)ના એક એક્ઝિક્યુટીવ એન્જિનિયરની બે લાખ રૃપિયાની લાંચની રકમ સ્વીકારતા એન્ટિ કરપ્શન બ્યુરોએ રંગે હાથો ધરપકડ કરી હતી. ભાઉસાહેબ મચ્છિન્દ્ર સાવંત (૫૧) નામના એક્ઝિ. એન્જિનિયરે માંજરી વિસ્તારમાં બંધાયેલી નવી ઈમારતોના કનેક્શનની ફાઈલો પર સહી કરવા પાંચ લાખ રૃપિયાની લાંચની રકમની માગણી કરી હતી. આ રકમમાંથી બે લાખ રૃપિયાનો હપ્તો સ્વીકારતી વખતે તેને છટકું ગોઠવી પકડી પાડવામાં આવ્યો હતો.
આ બાબતે ફરિયાદ કરનાર એક ઈલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેમાં આરોપ કરવામાં આવ્યો હતો કે સાવંતે તેમના એક પરિચિતની નવી બંધાયેલી પાંચ ઈમારતમાં ઈલેક્ટ્રિક સપ્લાય શરૃ કરવાની પાંચ ફાઈલ પર સહી કરવા કુલ પાંચ લાખ રૃપિયાની લાંચની માગણી કરી હતી. આ ફરિયાદ મળ્યા બાદ એસીબીએ ૭,૮,૨૧, અને ૨૨ ઓક્ટોબરના ફરિયાદની વિગતવાર ચકાસણી કરી હતી. આ તપાસ અને ચકાસણીમાં સાવંતે પાંચ લાખની લાંચની રકમ માંગી હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ એસીબીએ બે લાખની લાંચ માટે છટકું ગોઠવ્યું હતું. અંતે સાવંત મહાવિતરણની બંડગાર્ડનની ઓફિસમાં ફરિયાદી પાસેથી બે લાખની લાંચ સ્વીકારતા રંગેહાથો ઝડપાઈ ગયો હતો. આ બાબતે વાનવડી પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી સાવંતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.