એન્જિનિયરે ડેટિંગ એપ પર યુવતી તરીકે બિઝનેસમેન પાસેથી 33 લાખ પડાવ્યા
ઠગાઈના પૈસા પોતાની કેટલીક ગર્લફ્રેન્ડનાં ખાતાંઓમાં ટ્રાન્સફર કર્યાં
મીઠી મીઠી વાતો કરી મેડિકલ ઈમરજન્સી સહિત અનેક બહાને પૈસા ખંખેર્યાઃ પ્રેમમાં પાગલ બિઝનેસમેનને લાંબા સમય પછી શંકા ગઈ
મુંબઇ - નવી મુંબઇના સાયબર ક્રાઇમ પોલીસે કોપરખૈરણેના એક ૫૪ વર્ષીય બિઝનેસમેન સાથે ૩૩ લાખની છેતરપિંડી કરનાર રાજસ્થાનના એક એન્જિનિયરને દહેરાદૂનથી પકડી પાડયો હતો. આરોપીએ ડેટિંગ એપ પર મહિલા તરીકે ઓળખ આપી બિઝનેસમેન સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેણે મેડિકલ ઇમરજન્સી અને કોલેજ ફીના નામે મોટી રકમ પડાવી હતી.
આ સંદર્ભે વધુ વિગત આપતા નવી મુંબઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી કદમે જણાવ્યું હતું કે ઝડપાયેલો આરોપી સંજય મીણા મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. ગયા વર્ષે માર્ચ અને જૂન દરમિયાન તેણે ફરિયાદી સાથે મહિલા બની ચેટિંગ કરી હતી. તેણે ફરિયાદી સાથે ચેટિંગ દરમિયાન પ્રેમસંબંધ બાંધ્યો હતો અને ધીમે- ધીમે તેનો વિશ્વાસ કેળવી ફરિયાદીને ઠગવાનું શરૃ કર્યું હતું.
ફરિયાદી બિઝનેસમેનને ચેટીંગ કરનાર વ્યક્તિ પુરુષ હોવાની જાણ નહોતી અને તે પ્રેમસંબંધમાં પાગલ બની ગયો હતો જેનો લાભ ઉઠાવી મીણાએ મેડિકલ ઇમરજન્સી અને કોલેજ ફીના ન ામે ફરિયાદી પાસેથી મોટી રકમ પડાવવાનું શરૃ કર્યું હતું. આરોપીએ ફરિયાદી પાસેથી મળતા પૈસા તેની બીજી કેટલીક ગર્લફ્રેન્ડના વિવિધ બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. ફરિયાદીને અમૂક શંકા ગયા બાદ તેણે આ બાબતે નવી મુંબઇના સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જો કે આ દરમિયાન ફરિયાદીએ ૩૩ લાખથી વધુની રકમ મોકલી આપી હતી.
સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ કુશળતાનો ઉપયોગ કરી આરોપી મીણાને દહેરાદૂનથી પકડી પાડયો હતો. પોલીસ આ સમગ્ર ઘટના બાબતે ઉંડી તપાસ કરી રહી છે. અને આ રીતે આરોપીઓએ અન્ય કોઇની ઠગાઇ કરી છે કે નહી તેની પણ તપાસ હાથ ધરી છે.