કેમ્પસમાં તમાકૂ તથા તમાકૂજન્ય પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદો
યુજીસીનો દેશભરની કૉલેજોને આદેશ
ઈ-સિગારેટથી વિદ્યાર્થીઓના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર થાય છે નબળી અસર
મુંબઈ : સ્કૂલ-કૉલેજોની બહાર સરેરાશ 'ઈ-સિગારેટ્સ' કે 'વ્હેપ'નું વ્યસન થતું જોવા મળે છે. આથી કેમ્પસમાં તથા કેમ્પસની આસપાસના વિસ્તારમાં તમાકૂ તથા તમાકૂજન્ય પદાર્થો પર પ્રતિબંધ લાદવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને તમામ યુનિવર્સિટીઓ તેમજ કૉલેજોને કડક આદેશ આપ્યો છે.
કેમ્પસમાં તમાકૂ કે તમાકૂજન્ય પદાર્થોનો ઉપયોગ ન થાય અને કેમ્પસની બહાર આવા પદાર્થોનું વેંચાણ ન થાય તેની તકેદારી લેવા યુજીસીએ તમામ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને કૉલેજોના પ્રાચાર્યોને પત્રો મોકલ્યાં છે. યુવાનોમાં તમાકૂનું વધતું વ્યસન એ ચિંતાની બાબત છે. વહેલી સવારે સાત વાગ્યાની કૉલેજ હોય તોય વિદ્યાર્થીઓ સાડા છથી સાત વાગ્યાની આસપાસ ઈ-સિગારેટ કે અન્ય તમાકૂજન્ય પદાર્થોનું સેવન કરતાં જોવા મળતાં હોય છે.
ગ્લોબલ યુથ ટૉબેકો સર્વેનુસાર, ૨૦ વર્ષની ઉંમર પહેલાં તમાકૂનું સેવન કરનારાઓને તેનું વ્યસન લાગતું હોય છે. તેમજ તમાકૂ અને ઈ-સિગારેટના વ્યસનને કારણે વિદ્યાર્થીઓની શારીરિક-માનસિક ક્ષમતા પર પણ પરિણામ આવે છે. આથી યુજીસીના નિયમની કડક અમલબજાવણી કરવી એ શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી હોવાનું પણ પત્રમાં જણાવ્યું છે.