પુણે એમ્યુનિશન ફેક્ટરીમાંથી કારતૂસો ચોરી જતો કર્મચારી ઝડપાયો
- 22 કારતૂસ મળી, બ્લેકમાં વેચી દેતો હતો
મુંબઈ : પુણેની ખડકીમાં આવેલ એક એમ્યુનિશન ફેક્ટરીમાંથી કારતૂસ ચોરી જનાર એક કર્મચારીને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ની મદદથી ખડકી પોલીસ અને ફેક્ટરીના સુરક્ષા વિભાગે પકડી પાડયો હતો. ત્યાર બાદ આરોપી કર્મચારી ગણેશ બોરુડે (૩૯)ની ઝડતી લેતા તેના ટૂ -વ્હિલરમાંથી પોલીસને ૨૨ જીવંત કારતૂસ મળી આવી હતી. આ ઘટના બાદ ખડકી પોલીસે બોરુડેની ધરપકડ કરી હતી.
બાતમીના આધારે આઈબી અને પોલીસે ફેક્ટરીના ગેટ પર જ છટકું ગોઠવ્યું
આ બાબતે વધુ વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદી એમ્યુનિશન ફેક્ટરીમાં જુનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. શનિવારે ફેક્ટરીના સિનિયર અધિકારીઓએ તેમને બોલાવી ફેક્ટરીમાં એક ગુપ્ત કાર્યવાહી હાથ ધરવા બાબતની માહિતી આપી હતી. તેઓ તેમને ફેક્ટરીના ગેટ નં. ૧૨ પર લઈ ગયા હતા. જ્યાં પહેલેથી જ ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી) અને ખડકી પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર હતા. તેમણે જણાવ્યું હતું કે ફેક્ટરીમાં કામ કરતો ગણેશ બોરુડે નામનો કર્મચારી જીવંત કારતૂસ ચોરી બહાર લઈ જાય છે. ત્યાર બાદ આ ત્રણેય વ્યક્તિઓએ વેશ બદલી અન્યોની સાથે ગેટ નં. ૧૨ની બહાર છટકું ગોઠવ્યું હતું.
સાંજે સાડા પાંચ વાગ્યે જ્યારે બોરુડે સ્કૂટર પર બહાર આવ્યો ત્યારે આ લોકોએ તેને ઘેરી લીધો હતો અને તેની તેમ જ સ્કૂટરની ઝીણવટભરી તપાસ કરતા ૨૨ જીવંત કારતૂસ મળી આવી હતી. આ બાદ તેની પાસે આ બાબતનું કોઈ લાયસન્સ છે કે તેવું પૂછાતા બોરુડેએ સ્પષ્ટ નકાર આપ્યો હતો. વધુ તપાસમાં તે આ રીતે કારતૂસ બહાર લાવી વેચી દેતો હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યાર બાદ તેની ધરપકડ કરી તેણે આ રીતે કેટલી કારતૂસ ક્યાં અને કોને વેચી છે તેની વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.