ચેન્નઈથી મુંબઈ આવતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોમાં સાત દિવસમાં બીજી વાર બોમ્બની ધમકી
વિમાનને સંપૂર્ણ સલામતી સાથે લેન્ડ કરાવીને તમામ 172 પ્રવાસીઓને સુરક્ષાપૂર્વક બહાર કઢાયા
મુંબઈ: ચેન્નઈથી મુંબઈ આવતી ૧૭૨ પ્રવાસીઓ સાથેની ઈન્ડિગો ફ્લાઈટ બોમ્બની ધમકી મળ્યા પછી ફુલ ઈમરજન્સીમાં લેન્ડિંગ કરવામાં આવી હતી. ફ્લાઈટ સવારે ૮.૪૫ કલાકે મુંબઈમાં સંપૂર્ણ સુરક્ષા વચ્ચે લેન્ડ કરવામાં આવી હતી અને તમામ ૧૭૨ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અગાઉ ગયા અઠવાડિયે ઈન્ડિગોની દિલ્હી-વારાણસી ફ્લાઈટમાં પણ બોમ્બની ધમકી મળી હતી.
ઈન્ડિગો એરલાઈન્સે નિવેદન આપીને તેની ફ્લાઈટમાં બોમ્બ મુકાયાની ધમકી મળ્યાની પુષ્ટી કરતા કહ્યું કે મુંબઈમાં લેન્ડિંગ થયા પછી ક્રુએ પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને વિમાનને સેક્યુરિટી ગાઈડલાઈન્સ મુજબ આઈસોલેશન બેમાં લઈ જવાયું હતું.
એરલાઈન્સે વધુમાં જણાવ્યું કે વિમાનમાં બોમ્બ મુકાયાની ધમકી મળ્યાની પાયલટે મુંબઈ એટીસીને જાણ કર્યા પછી ચેન્નઈ-મુંબઈ રૂટ પર ઓપરેટ થતી ઈન્ડિગો ફ્લાટ ૬ઈ૫૩૧૪ માટે સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરાઈ હતી.
નિવેદનમાં વધુ જણાવાયું હતું કે તમામ ૧૭૨ પ્રવાસીઓને વિમાનમાંથી સુરક્ષાપૂર્વક બહાર કઢાયા હતા અને વિમાનમાં હાલ ચકાસણી થઈ રહી છે. ચકાસણી થયા પછી પછી વિમાનને ફરી ટર્મિનલ એરીયામાં મુકવામાં આવશે.
છેલ્લા એક અઠવાડિયામાં ઈન્ડિગો ફ્લાઈટનેં સંડોવતો આ આવો બીજો કિસ્સો છે. ૨૮ મેના રોજ દિલ્હીથી જતી ઈન્ડિગો વારાણસી ફ્લાઈટમાં પણ બોમ્બ મુકાયાની ધમકી મળી હતી.