શેલ કંપનીઓ દર્શાવી ઈનપૂટ ક્રેડિટના 26 કરોડની ઉચાપત
મુંબઈમાં જીએસટી કૌભાંડમાં 1ની ધરપકડ
મનિષ શાહના કહેવાથી નિલેશ શાહ અને કિરણ કંથારિયાએ બોગસ કંપનીઓ ઊભી કરી
મુંબઇ : મુંબઈના જીએસટી વિભાગે રૃ. ૨૫.૭૩ કરોડના નકલી જીએસટી ઇન્વોઇસ રેકેટનો પર્દાફાશ કરી બનાવટી કંપનીઓ દ્વારા છેતરપિંડીથી ટેક્સ ક્રેડિટ લેવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી હતી. સીજીએસટી (સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ)ની તપાસ વિંગે આ કેસમાં આરોપી કિરણ કંથારિયાની ધરપકડ કરી હતી.
ઇન્ટેલિજન્સ ઇનપુટને પગલે અધિકારીઓએ એક ખાનગી કંપની હેકનપ ટ્રેડિંગ (ઓપીસી) પ્રાઇવેટ લિમિટેડ સામે તપાસ શરૃ કરી હતી. આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે આવી કોઈ કંપની જ અસ્તિત્વમાં નથી. જોકે આ કંપનીના એક ડાયરેક્ટર નિલેશ બી. શાહે અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે કિરણ કંથારિયા અને મનિષ શાહની સૂચનાથી ઇન્પુટ ટેક્સ ક્રેડિટ છેતરપિંડી સાથે સંકળાયેલી ઘણી નકલી કંપનીઓની રચના કરી હતી. ત્યાર બાદ અધિકારીઓએ કિરણ કંથારિયાની ધરપકડ કરી હતી.
કંથારિયાની વધુ પૂછપરછમાં તેણે મનિષ શાહના નિર્દેશ પર બનાવટી કંપનીઓ દ્વારા ટેક્સ ક્રેડિટની છેતરપિંડીનો ગુનો કબૂલ્યો હતો તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ તપાસ કરતા બહાર આવ્યું હતું કે આ બનાવટી કંપનીઓએ રૃ. ૧૧.૦૨ કરોડની અયોગ્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટ પસાર કરી હતી અને સામાન કે સેવાઓના સપ્લાય વિના નકલી ઇન્વોઇસિનો ઉપયોગ કરીને રૃ. ૧૪.૭૦ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. કંથારિયાની જીએસટી એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.