સરકારના 21 કરોડની ઉચાપતઃ બીમડબલ્યૂ ખરીદી, ગર્લ ફ્રેન્ડને ફોરબીએચકે ફલેટ ગિફ્ટ કર્યો
13 હજાર રુપિયાના પગારદાર કોન્ટ્રાકટ પરના કર્મચારીનું પરાક્રમ
અન્ય સાગરિત સાથે મળી છત્રપતિ સંભાજીનગરના સ્પોર્ટસ કોમ્પ્લેક્સના નાણાં ઈન્ટરનેટ બેકિંગ મારફતે તફડાવ્યાં
મુંબઈ : મહારાષ્ટ્રમાં ફક્ત ૧૩ હજાર રુપિયાનો માસિક પગાર ધરાવતા કોન્ટ્રાક્ટ પરના સરકારી કર્મચારીએ અન્ય સાગરિત સાથે મળી સરકારી તિજોરીના ૨૧ કરોડની ઉચાપત કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સરકારી કર્મચારીએ ઉચાપતનાં નાણાંમાંથી બીેએમડબલ્યૂ કાર ખરીદી હતી અને તેની ગર્લફ્રેન્ડને ફોર બીએચકેનો આલીશાન ફલેટ પણ ગિફ્ટમાં આપ્યો હતો.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના આ કર્મચારીની વૈભવી લાઈફસ્ટાઈલ જોઈને તેની આસપાસના લોકો પણ અંજાઈ ગયા હતાં. જોકે, તેમને તેની આવકના સ્ત્રોત વિશે શંકાકુશંકાઓ થવા લાગી હતી. પરંતુ, આખરે તેણે સરકારના જ પૈસા તફડાવી તાગડધિન્ના કર્યા ંહોવાનું સામે આવ્યું છે.
હર્ષ કુમાર ક્ષીરસાગર નામના આ કર્મચારી તથા તેના સાગરિતે ઈન્ટરનેટ બેકિંગ દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્સના ૨૧ .૫૯ કરોડ સેરવી લીધા હતા. તેણે આ નાણાંથી બીએમડબલ્યૂ કાર, બીએમડબલ્યૂ બાઈક અને ડાયમંડ સ્ટડેડ ચશ્મા પણ ખરીદ્યાં હતાં. તેણે ગર્લ ફ્રેન્ડ માટે એરપોર્ટની સામે જ ફોર બીએચકેનો વિશાળ વૈભવી ફલેટ પણ ખરીદ્યો હતો.
આ કૌભાંડમાં તેની સાથે સામેલ અન્ય મહિલા કર્મચારીના પતિએ ૩૫ લાખ રુપિયાની એસયુવી કારની ખરીદી કરી હતી. પ્રાથમિક તપાસ અનુસાર હર્ષ કુમાર ક્ષીરસાગર આ એસયુવી સાથે જ ફરાર થઈ ગયો છે.
હર્ષ ક્ષીરસાગર, તેની સહ કર્મચારી યશોદા શેટ્ટી અને યશોદાના પતિ બી કે જીવને આ કૌભાંડ માટે ત્રાગડો ઘડી કાઢ્યો હતો. તેમણે ઈન્ડિયન બેન્કમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સના નામનાં એક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ એકાઉન્ટ સરકારી કામકાજ માટે હતું અને તેમાં ચેક ઉપાડવા માટે ડેપ્યુટી સ્પોર્ટસ ડાયરેક્ટરની સહી જરુરી હતી.
આ કૌભાંડી ત્રિપુટીએ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઈન્ટરનેટ બેકિંગ સુવિધા શરુ કરાવી હતી. તેના થકી તેઓ પૈસાની ઉચાપત કરવા માંડી હતી. આઘાતજનક વાત તો એ છે કે ડેપ્યુટી સ્પોર્ટસ ડાયરેક્ટરને આશરે છ મહિના પછી આ ઉચાપતની ખબર પડી હતી.
સ્પોર્ટસ ડાયરેક્ટર તેજસ કુલકર્ણીએ આ ઉચાપત અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગતો અનુસાર બીડ ાયપાસ પર રહેતા ૨૩ વર્ષના હર્ષ કુમાર અનિલ ક્ષીરસાગરને ફેબુ્રઆરી ૨૦૨૨માં કોન્ટ્રાક્ટ પરના ઓપરેટર તરીકે નોકરી અપાઈ હતી. તે પછી ૨૦૨૩માં ગડિયા વિહારમાં રહેતી યશોદાજયરામ શેટ્ટીને કોનટ્રાક્ટ પર આધારિત કલાર્ક તરીકે નોકરી અપાઈ હતી.
આ કૌભાંડમાં યશોદા તથા તેનો પતિ જીવન કરિયપ્પા વિજેન્ડ ઝડપાઈ ચૂક્યાં છે જ્યારે હર્ષની પોલીસ શોધ ચલાવી રહી છે.