12 વર્ષના કિશોરને ભોળવી દેશનાં મ્યુઝિયમ્સને ઉડાવી દેવાનો ઈમેઈલ
આસામના કિશોરને વીડિયો ગેમ એપ થકી આરોપી મળ્યો હતો
છત્રપતિ શિવાજી મહારાજ સહિત દેશભરનાં મ્યુઝિયમ્સને મળેલી ધમકીની તપાસ માટે આસામ પહોંચેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ઘટસ્ફોટ
મુંબઇ : મુંબઇ સહિત દેશના મોટા મ્યુઝિયમોને ઉડાવી દેવાની ધમકી આપતા આઠ ઇ-મેલ આસામના ૧૨ વર્ષના છોકરાના ઇ-મેઇલ આઇડી પરથી આપવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વીડિયો ગેમ રમતી વખતે આ બાળક અજાણ્યા આરોપીના સંપર્કમાં આવ્યો હતો. પછી તેણે વાતોમાં ભોળવીને ધમકીનો ઈમેલ કર્યો હતો.
ગત પાંચ જાન્યુઆરી કોલાબામાં છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ, વરલીમાં નેહરું સાયન્સ સેન્ટર સહિત દેશના મોટા મ્યુઝિયમોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપતા આઠ ઇ-મેલ મોકલવામાં આવ્યા હતા.
પોલીસ અને બૉમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્કવૉડે તપાસ કરતા બોમ્બ કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
ઇ-મેલમાં જણાવવામાં આવ્યું હતું કે મ્યુઝિયમમાં અનેક બૉમ્બ મૂકવામાં આવશે અને ગમે ત્યારે વિસ્ફોટ થશે. મુંબઇ પોલીસે મ્યુઝિયની આસપાસ સુરક્ષા વધારી દીધી હતી. પોલીસે આ મામલે કેસ નોંધ્યો હતો. મુંબઇ પોલીસ સાયબર વિભાગે ઇ-મેલ મોકલનારને શોધવાનો પ્રયાસ શરૃ કર્યો હતો.
રમિયાન આસપાસના ૧૨ વર્ષના બાળકના ઇ-મેલ આઇડી પરથી આ ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે આસામ જઇને બાળક પાસેથી ઇ-મેલ અંગેની માહિતી મેળવી હતી. તે સમયે પોલીસને જાણવા મળ્યું હતું કે વીડિયો ગેમ રમતી વખતે આરોપીની સાથે બાળકની ઓળખ થઇ હતી. વીડિયો ગેમ રમનારાઓમાં લોકપ્રિય પ્લેટપોર્મ 'ડિસ્કોર્ટ' દ્વારા બંને એકબીજાના સંપર્કમાં હતા. અજાણ્યા આરોપીએ ધમકી આપવા આ ઇ-મેલ આઇડી બાળકની પાસે બનાવ્યું હોવાનું કહેવાય છે.
હાલમાં મહારાષ્ટ્રના પોલીસ કન્ટ્રોલ રૃમને પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન 'માતોશ્રી' બહાર ઘાતપાત કરવાનો ધમકીભર્યો ફોન આવ્યો હતો. ત્યાર બાદ માતોશ્રીની પાસે ચુસ્ત પોલીસ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.