લિફ્ટ બંધ થઈ જતાં વૃદ્ધ ફફડતા હૈયે સાથે ફલેટમાં જ પુરાઈ રહ્યા
ઘનઘોર અંધારા અને ધૂમાડા વચ્ચે બચાવો બચાવોની બૂમ
પિતા પુત્રને શાલ ઓઢાડી બહાર દોડયા, એક પરિવારે બારીમાંથી ઝંપલાવવાનું નક્કી કર્યું
મુંબઇ : ગોરેગામની બિલ્ડિંગમાં લાગેલી આગમાં રહેવાસીઓએ બચવા માટે જોરદાર પ્રયત્ન કર્યા હતા. આગની જવાળાઓ અને ધુમાડાથી ગુંગળામણ થતા એક પરિવાર બિલ્ડિંગની બારીમાંથી નીચે કૂદકો મારવાનું વિચારી લીધું હતું. જ્યારે એક પિતાએ માસૂમ પુત્રને બચાવવા શાલ ઓઢાડીનેને તેની સાથે આગની જવાળાઓમાંથી બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા.
પત્રકારો સાથે વાત કરતા ૩૦ વર્ષીય મહિલાએ કહ્યું હતું કે તેને અને પરિવારના સભ્યોને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ તે પહેલાનો કલાક અંધકારમય, ડરામણે, અને ગુગળામણીભર્યો હતો.
અમે ઘરની અંદર અટવાઇ ગયા હતા આગ અને ધુમાડાને લીધે અમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી હતી. મને કિડનીની બીમારી છે. પરિવારનો મારા માટે વધુ ચિંતિત હતા આગની જવાળાઓમાંથી બચવું શક્ય નહોતું. અમે અમારો જીવ બચાવવા બારીમાંથી કૂદવાનું વિચાર્યું હતું. મારા પિતાએ ઘણીવખત પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ અમે તેમને રોકી લીધા હતા. એમ મહિલાએ જણાવ્યું હતું.
આ ભયભીત પરિવાર અંધારામાં મદદ માટે બૂમો પાડતો રહ્યો હતો. છેવટે એક કલાક પછી અગ્નિશામક દળના જવાનોએ દરવાજો ખટખટાવ્યો અને અમને બચાવી લેવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડે બિલ્ડિંગની ટેરેસ જુદા જુદા માળેથી બાળકો સહિત લગભગ ૩૦ જણને બચાવ્યા હતા. એક રહેવાસીએ દાવો કર્યો હતો કે તેણે ધડાકો સાંભળ્યો હતો. તે દરેકના ઘરના દરવાજાની ડોરેબેલ વગાડીને પોતાના પરિવાર સાથે સીડી પરથી નીચે ઉતરી બિલ્ડિંગની બહાર ભાગી ગયો હતો.
એક વૃદ્ધે આ બનાવની માહિતી આપાતા કહ્યું હતું કે તેઓ ત્રીજા માળે રહે છે. રહેવાસીઓની બૂમોના લીધે આગની જાણ થઇ હતી. તેમના પરિવારના નવ જણે સીડીથી નીચે આવવાનો પ્રયાસ કર્યો હતો લિંફ્ટ કામ કરતી નહોતી. પહેલા અને બીજા માળા પરની આગની જવાળાઓ ખૂબ જોખમી હતી. આથી અમે અમારા ફલેટમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. ફાયરબ્રિગેડે સવારે પાંચ વાગ્યાની આસપાસ અમને બચાવ્યા હતા.
આ બિલ્ડિંગની બાજુની વિંગના રહવાસી મનીષ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે તે તીવ્ર ગંધને કારણે જાગી ગયો હતો. તેણે નીચે જઇને જોયું તો બાજુની બિલ્ડિંગમાં આગ લાગી હતી.
આગ પ્રસરી ગયા બાદ એક યુવક તેના માસૂમ પુત્રને શાલ ઓઢાડી હતી. પછી કુટુંબીજનો સાથે નીચે આવી ગયો હતો. આ યુવકનો ચહેરો દાજી ગયો હતો. પરંતુ તેની હિંમતથી પુત્રનો જીવ બચી ગયો હતો.