ચૂંટણીનો ચમત્કારઃ મુંબઈના 5 નાકા પર હળવાં વાહનો માટે ટોલટેક્સ માફ
વર્ષો જૂની માગણી સરકારને ચૂંટણી તારીખો જાહેર થતાં પહેલાં અંતિમ કેબિનેટમાં યાદ આવી
સોમવારની મધરાતથી અમલ શરુઃ કાર, જીપ, ટેક્સી, રિક્ષા, થ્રી ટાયર ટેમ્પો, નાનો ટ્રક, વાન સહિત ૨.૮૦ લાખ વાહનોને ફાયદો ઃ ટ્રાફિક જામ હળવો બનશે
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તારીખો હવે ગમે તે ઘડીએ જાહેર થવાની શક્યતા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આજે તાબડતોબ એક અર્જન્ટ કેબિનેટ બેઠક બોલાવી મુંબઈનાં પાંચેય નાકાં પર હળવાં વાહનો માટે ટોલટેક્સ માફીની જાહેરાત કરી હતી. આ નિર્ણયને પગલે આશરે ૨.૮૦ લાખ વાહનચાલકોને ફાયદો થશે. સોમવારની મધરાતથી જ આ ટોલમાફીનો અમલ પણ શરુ કરી દેવામાં આવ્યો છે. વર્ષોથી આ ટોલનાકાંઓ પર વસૂલાતા ટોલ સામે આક્રોશ વ્યક્ત કરાતો હતો એ આ મુદ્દે આંદોલન પણ થયાં હતાં. બીજી તરફ વિપક્ષે ચૂંટણી જાહેર થવાની ઘડીઓ પહેલાં જ માફીની આ જાહેરાતને ચૂંટણી ગિમિક ગણાવી વખોડી નાખી હતી.
વાહનો પર ૪૫થી ૭૫ રુપિયા સુધીનો વેરો લેવાતો હતો. હળવા વાહનોની ટોલ ફી માફ કરતાં સરકારી તિજોરી પર વાર્ષિક પાંચ હજાર કરોડ રૃપિયાનો બોજો વધશે. બીજી તરફ ટ્રક, બસ, મોટા ટેમ્પો સહિતના ભારે વાહનો પર ટોલ ટેક્સ યથાવત ચાલુ રહેશે. રોજના ૩.૬ લાખ વાહનો અહીં ટોલટેક્સ ભર છે. તેમાંથી ૨.૮૦ લાખ જેટલાં હળવાં વાહનોનો સમાવેશ થાય છે.
મુંબઈમાં દહિસર, મુલુંડમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને એલબીએસ રોડ, ઐરોલી ક્રિક બ્રિજ તથા વાશી ખાતે ટોલ ટેક્સ લેવાતો હતો. મુંબઈમાં ફલાયઓવર્સ બાંધવાના શરુ થયા તે પછી તેનેો ખર્ચ વસૂલવાના નામે આ ટોલ ટેક્સ નીતિન ગડકરીએ શરુ કરાવ્યા હતા અને ત્યારથી તે કાયમી બની ગયા હતા. આરટીઆઈ હેઠળ મળેલા જવાબોમાં જણાયું હતું કે આ ફલાયઓવર્સના ખર્ચા ભરપાઈ થઈ ચૂક્યા છે અને તે પછી પણ સરકારે ટોલ ટેક્સ લેવાનું બંધ કર્યું ન હતું.
આ ટોલટેક્સની દરખાસ્ત સામે વખતોવખત આંદોલનો પણ થયાં હતાં. મનસેના કાર્યકરોએ ટોલ નાકા પર તોડફોડ પણ કરી હતી. મુલુંડ સહિતના વિસ્તારોમાં જુદી જુદી સોસાયટીઓના લોકો આ ટોલટેક્સમાંથી માફીની રજૂઆતો કરતા હતા અને તે રીતે કેટલાક વિસ્તારોના વાહનોને સરનામાના પુરાવા દર્શાવે ટોલ ટેક્સમાંથી માફી પણ અપાતી હતી.
કાર, એસયુવી, જીપ, પિક અપ વાન તથા નાના ટેમ્પો જેવાં હળવાં વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળી છે. પરંતુ, બસ, ટ્રક સહિતનાં વાહનોએ ટોલ ટેક્સ ભરવાનો રહેશે.
આ ટોલટેક્સ બંધ થતાં આ ચેકનાકાઓ પર ટ્રાફિક જામ ઘટશે. ખાસ કરીને દહિસર ચેકનાકા પર લાંબા સમય સુધી વાહનોની કતાર લાગતી હતી તેમાંથી મુક્તિ મળશે. તેના કારણે વાહન પ્રદૂષણ પણ ઘટશે. દહિસર ચેકનાકા પાસેના રસ્તા બિસ્માર હાલતમાં હતા. ટોલ ભર્યા પછી આવા રસ્તા પરથી પસાર થતી વખતે વાહનચાલકો આક્રોશ વ્યક્ત કરતા હતા.
ગુજરાતથી આવતાં વાહનોને ફાયદો
ગુજરાતથી મુંબઈ આવતાં વાહનો મોટાભાગે દહિસર ચેકનાકાથી મુંબઈમાં પ્રવેશે છે. દક્ષિણ ગુજરાતથી રોજની હજારો કારો એરપોર્ટ ટ્રાન્સફર માટે જ મુંબઈ આવે છે. તેમને ટોલટેક્સમાંથી મુક્તિ મળશે. ગુજરાતથી આવતાં અનેક વાહનો ઘોડબંદર રોડ થઈ થાણેથી પણ મુંબઈ તરફ આવતાં હોય છે. તેમને પણ મુલુંડ એલબીએસ રોડ કે મુલુંડ ઈસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પર ટોલટેક્સમાંથી મુક્તિ મળશે. વાશી ખાતે પણ ટોલટેક્સ બંધ કરાતાં નવી મુંબઈ એપીએમસીમાં અવરજવર કરતા વેપારીઓને ફાયદો થશે.
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની નારાજગી
આ નિર્ણય સામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના વર્તુળોએ પણ નારાજગી વ્યક્ત કરી છે. સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે ફરી એક વાર ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ તેમણે કરી હતી. ખાસ કરીને આવશ્યક ચીજો લઈ જતી ટ્રકોને ટોલ માફી આપવી જોઈએ તેવી તેમની માગણી છે. ટોલ ઓળંગતા કુલ વાહનોમાં લગભગ ૭૦ હજારથી વધુ વાહનો ભારે માલસામાન હેરફેર કરનારા છે. ભારે વાહનોને પર ૭૫૦૦ કિ.ગ્રા.થી વધુ વહન કરતાં વાહનો છે. તેમાં ટ્રક, ટ્રેલર, ટેન્કર અને અન્ય માલવાહક વાહનોનો સમાવેશ થાય છે.
મનસેનો આવકાર, વિપક્ષોએ કહ્યું છેલ્લી ઘડીના ઉધામા
ટોલ પાછો ખેંચવાના નિર્ણયને મનસેએ આવકાર્યો હતો અને પોતે ટોલટેક્સ સામે કરેલાં આંદોલનને તેનું શ્રેય આપ્યું હતું. જોકે, રાજ ઠાકરેએ એવી ટકોર પણ કરી હતી કે સરકારને હવે ચૂંટણી ટાણે તો ચૂંટણી ટાણે પણ અમારી માંગ યાદ આવી છે. બીજી તરફ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ તથા કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ નિર્ણયને પોલ ગિમિક ગણાવી વખોડી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે મહાયુતિ સરકારને ચૂંટણી જીતવાનો કોઈ આરો દેખાતો નથી. આથી છેલ્લે છેલ્લે બેબાકળી બનીને આવી લ્હાણીઓ કરી રહી છે.
આ પાંચ ચેક નાકાં પર ટોલ બંધ
૧. દહિસર ૨. મુલુંડ એલબીએસ રોડ ૩. મુલુંડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ૪. ઐરોલી ક્રિક બ્રિજ ૫. વાશી ક્રિક બ્રિજ
આ કારણે જ વન નેશન વન ઈલેક્શનની જરુર નથી
હળવાં વાહનો માટે ટોલટેક્સ નાબુદી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ બની હતી. મુંબઈગરાઓએ કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ આવે છે તેના લીધે સરકારને વર્ષોજૂની માગણીઓ યાદ આવે છે અને લોકોને રાહત મળે છે. વન નેશન વન ઈલેક્શન આવશે તો પાંચ વર્ષે જ આવી માગણીઓ સંતોષાશે. વારંવાર ઈલેક્શનમાં જ પ્રજાને ફાયદો છે.