હાઉસિંગ સોસાયટીઓમાં મતદાન મથકો વધારવા ચૂંટણી પંચની કવાયત
સોસાયટીઓ પાસેથી વિગતો મગાવાઈ
સોસાયટીઓના પ્રમુખ તથા મત્રીને બૂથ લેવલ વોલન્ટિઅર્સ તરીકે નિયુક્તિ અપાશે
મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઉંચી ઇમારતોમાં અને હાઉસિંગ સોસાયટીઓમાં મતદાન બેઠકો ઉભા કરવા ચૂંટણી પંચ પ્રયત્ન કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરમાં યોજાવાની સંભાવના છે.
શહેરી વિસ્તારોની ઉંચી ઇમારતો અને હાઉસિંગ સોસાયટીઓમાં મતદાન મથકો ઉભા કરવા માટે ચૂંટણી પંચે વિશેષ પહેલ શરૃ કરી છે. સોસાયટીનું નામ, એડ્રેસ, રજિસ્ટ્રેશન નંબર અને મતદારોની અંદાજિત સંખ્યા જેવી વિગતો આપવા ચૂંટણીપંચે હાઉસિંગ સોસાયટીઓના હોદ્દેદારોને વિનંતી કરી છે.
મતદાર યાદીને અપડેટ કરવા હાઉસિંગ સોસાયટીઓના પ્રમુખો અને સેક્રેટરીઓને 'બૂથ લેવલ વોલન્ટિયર્સ તરીકે નિયુક્ત કરવામાં આવશે. મતદાન માટે પાત્ર રહેવાસીઓ, રહેઠાણ બદલી ગયા હોય તેવા મતદાન માટે પાત્ર નાગરિકો અથવા દિવંગત થયા હોય તેવા લોકોની વિગત ચૂંટણી પંચના રજિસ્ટ્રેશન અધિકારીઓને યાદી પૂરી પાડવાની જવાબદારી રહેશે. સોસાયટીના હોર્દેદારો રહેવાસીઓને મતદાર તરીકે નોંધણી કરાવવા અને તેમના પરિવારના સભ્ય પાત્ર થયા હોય તો મતદારયાદીને અપડેટ કરવા પ્રોત્સાહન આપશે તેવી તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે.
મતદાન મથક ઉભુ કરવામાં રસ ધરાવતી સોસાયટીઓના પ્રતિનિધિઓ તેમના વિસ્તારના બૂથ લેવલ ઓફિસર (બીએલઓ)નો સંપર્ક કરી શકશે અથવા ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.