મુંબઈ મહાપાલિકા કમિશનરની તત્કાળ બદલીનો ચૂંટણી પંચનો આદેશ
માનીતા અધિકારીની બદલી રોકવા સરકારના છેલ્લી ઘડી સુધીના પ્રયાસો
2 એડિશનલ મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની પણ બદલી થઈ જશે
મુંબઇ : ચૂંટણી પંચે મુંબઈ મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલની તત્કાળ બદલી કરવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો છે. ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી પદ પર ફરજ બજાવતા અધિકારીઓની બદલી માટે અગાઉ પણ પંચે તાકીદ કરી હતી. જોકે, મહારાષ્ટ્ર સરકારે પાલિકા કમિશનર સીધી રીતે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા નથી અને મુંબઈમાં હાલ અબજો રુપિયાના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટસ ચાલતા હોવાથી કમિશનરની બદલી નહિ કરવા વિનંતી કરી હતી. પરંતુ, ચૂંટણી પંચે આ તમામ દલીલો ફગાવી દીધી હતી.
ચૂંટણી પંચે રાજ્ય સરકારની દલીલો માન્ય રાખી ન હતી તેમ છતાં પણ આજ દિન સુધી બદલી ન કરવામાં આવતાં હવે ચૂંટણી પંચે રાજ્ય સરકારને સીધો આદેશ આપ્યો છે.
ચૂંટણી પંચે ગઈ તા. ૨૨મી ફેબુ્રઆરીના જ રાજ્ય સરકારને જણાવ્યું હતું કે હાલના હોદ્દા પર ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું હોય તેવા અધિકારીઓની બદલી કરી દેવામાં આવે. આ આદેશ કમિશનર ઈકબાલ સિંહ ચહલ, એડિ. કમિશનર અશ્વિની ભીડે તથા એડિ. કમિશનર પી. વેલરાસુ તથા પુણે કમિશનર વિક્રમ કુમારને પણ લાગુ પડે છે તેમ જણાવાયું હતું.
પરંતુ, રાજ્ય સરકારે પંચને જણાવ્યું હતું કે આ અધિકારીઓ કોઈ રીતે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા નથી. હાલ ઈન્ફ્રાસ્ટ્રકચરના મેગા પ્રોજેક્ટસની જવાબદારીઓ આ અધિકારીઓ વહન કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રિ મોન્સૂન કામગીરી પણ હાથ ધરવાની છે. હાલ ચૂંટણી સમયે આ અધિકારીઓ બદલવામાં આવશે તો તમામ કામગીરી પર માઠી અસર પડશે.
મહાપાલિકાના કમિશનર ચહલના સ્થાને મુખ્યમંત્રીના કાર્યાલયના વડા તથા રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી ભૂષણ ગગરાણીને મહાપાલિકાની જવાબદારી સોંપાય તેવીસંભાવના છે.
ચહલ વર્ષ ૧૯૮૯ના બેચના સનદી અધિકારી છે. કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન ૮મે ૨૦૨૦ના રોજ મુંબઇ મહાનગર પાલિકા કમિશનર પદે વરણી થઇ હતી. જોકે, રાજ્યમાં સત્તા પરિવર્તન થયું અને એકનાથ શિંદે સરકારે કાર્ય જવાબદારી સંભાળી તે પછી પણ ચહલને આ હોદ્દા પર યથાવત રાખવામાં આવ્યા હતા.
પાલિકાના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અશ્વની ભિંડે વર્ષ ૧૯૯૫ની બેચના સનદી અધિકારી છે. મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેકટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમણે પાલિકાના એડિશનલ કમિશનર તરીકે મુંબઇના પૂર્વ ઉપનગરનો કાર્યભાર સંભાળવાનું ચાલું રાખ્યું છે.
જ્યારે વર્ષ ૨૦૦૨ના બેચના સનદી અધીકારી ૧૭ જાન્યુઆરી ૨૦૨૦થી એડિશનલ મ્યુનિસિપલ કમિશનર પદે પી. વેલારાસુ પાલિકાના પ્રોજેક્ટનો ચાર્જ સંભાળે છે.