ઈવીએમ હેક કરવાનો દાવો કરનારા સામે ચૂંટણી પંચની પોલીસ ફરિયાદ
- 63 સીટો પર જીત માટે બેઠક દીઠ 53 કરોડનો સોદો થયાનો દાવો
- વિદેશમાં રહેતા સૈયદ શૂજા સામે 2019 માં પણ આવો દાવો કરવા બદલ પંચે ફરિયાદ નોંધાવી હતી
મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ વિપક્ષો ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) પર હારનું ઠીકરું ફોડી રહ્યા છે ત્યારે એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ ઈવીએમ હેક કરવાનો અને ઈવીએમ સાથે છેડછાડ કરી શકાય છે તેવો દાવો કરતો નજરે પડે છે. આ વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચે ઈવીએમ હેક કરવનો દાવો કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરતા મુંબઈ સાયબર પોલીસે છેતરપિંડીનો કેસ નોંધી આ બાબતે વધુ તપાસ આદરી છે.
આ દાવો કરનારની ઓળખ સૈયદ શૂજા તરીકે કરવામાં આવી છે. તેની સામે ૨૦૧૯માં પણ આવો દાવો કરવા બદલ દિલ્હીમાં ચૂંટણી પંચે ફરિયાદ નોંધાવી હતી.
વાયરલ થયેલા વીડિયોમાં શૂજા એવો દાવો કરી રહ્યાનું જણાય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮માંથી ૨૮૧ બેઠકો પર તેનો કન્ટ્રોલ છે. ૬૩ બેઠકો પર જીત સુનિશ્ચિત કરાવવા તેને બેઠક દીઠ ૫૩ કરોડ રુપિયા મળ્યા છે.
આ સંદર્ભે ચૂંટણી પંચના મહારાષ્ટ્રના ચીફ એક્ઝીકયુટીવ ઓફિસર (સીઈઓ)ની ઓફિસે બહાર પાડેલા એક નિવેદન અનુસાર કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં એક વ્યક્તિ ઈવીએમ ફ્રિકવન્સીમાં છેડછાડ કરી ઈવીએમ હેક કરી શકાય છે તેવો દાવો કરી મહારાષ્ટ્રની ચૂંટણીમાં આ રીતે ઈવીએમ હેક કરવામાં આવ્યો હોવાનો અને ઈવીએમમાં છેડછાડ થઈ હોવાનો દાવો કરી રહ્યો છે.
આ વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ દાવો સાવ ખોટો, પાયાવિહોણો અને આધારહીન છે. ચૂંટણી પંચ અનુસાર ઈવીએમ એકલ મશીન છે અને તેને વાઈફાય કે બ્લ્યુટૂથ કોઈપણ નેટવર્ક સાથે કનેકટ કરી શકાતું ન હોવાની સ્પષ્ટતા કરી હતી. આ સાથે જ ચૂંટણી પંચે આ પ્રકારનો દાવો કરી ગેરસમજ ઉભી કરનાર વ્યક્તિ સામે ફરિયાદ કરી હતી.
મુંબઈ સાયબર પોલીસને ૩૦ નવેમ્બરના રોજ આ ફરિયાદ મળ્યા બાદ રાત્રે દક્ષિણ મુંબઈના સાયબર પોલીસ સ્ટેશનમાં આ વીડિયોમાંની વ્યક્તિ સામે એફઆઈઆર નંબર ૦૧૪૬/ ૨૦૨૪ હેઠળ બીએનએલની કલમ ૪૩ (જી) અને આઈટી એક્ટની કલમ ૬૬ (ડી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બાબતે વધુ સ્પષ્ટતા કરતા મહારાષ્ટ્ર ચૂંટણી પંચના સીઈઓની ઓફિસે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ઈવીએમ સંપૂર્ણ પણે ટેમ્પરપ્રુફ છે તેથી છેડછાડ કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. માનનીય સુપ્રીમ કોર્ટે અનેક વખત ઈવીએમમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચે કોઈપણ શંકા દૂર કરવા તેમની વેબસાઈટ પર ઈવીએમ સંબંધી વારંવાર પૂછાતા પ્રશ્નો (ફેક) પર વિગતવાર માહિતી પૂરી પાડી છે. -