કલવાની બિલ્ડિંગમાં સ્લેબ તૂટી પડતા વૃધ્ધ દંપતી, પુત્રને ગંભીર ઈજા
35 વર્ષ જૂની ઈમારત જોખમી જાહેર કરાઈ હતી
બિલ્ડિંગના તમામ 30 ફલેટ ખાલી કરાવી ૧૦૦થી વધુ રહેવાસીઓનું સ્થળાંતર, સમગ્ર બિલ્ડિંગ સીલ કરી દેવાઈ
મુંબઈ : કલવાની બિલ્ડિંગમાં ત્રીજા માળના ફલેટના હોલનો સ્લેબ તૂટીને બીજા માળ પર પડતા વૃધ્ધ પતિ- પત્ની અને તેમનો પુત્રનો જખમી થયો હતો. આ બિલ્ડિંગમાં રહેતા ૧૦૦થી વધુ રહેવાસીનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેમજ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે.
૩૫ વર્ષ જૂની ઈમારત જોખમી હોવાથી અગાઉ પાલિકાએ ખાલી કરવાની અને તોડી પાડવાનું જણાવ્યું હતું. કલવા સ્થિત ભુસાર આળીમાં ઓમ કૃષ્ણા કો. ઓપ. હા. સોસાયટી નામની ચાર માળની બિલ્ડિંગ આવેલી છે.
થાણે મહાનગરપાલિકા ડિઝાસ્ટર મેનજેમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે 'બિલ્ડિંગમાં ગઈકાલે રાતે ૧૧.૫૫ વાગ્યે ત્રીજા માળે આવેલા ફલેટ નં. ૩૦૨ા હોલનો સ્લોબ તૂટીને બીજા માળે આવેલા ફલેટ નં. ૨૦૨માં પડયો હતો. જેના કારણે મનોહર દાંડેકર (ઉં.વ.૭૦), તેમની પત્ની મનીષા (ઉં.વ.૬૫) પુત્ર મયુર (ઉં.વ.૪૦)ને હાથ, પગ, પીઠ, કમરમાં ગંભીર ઈજા થઈ હતી.
આ બિલ્ડિંગ ૩૫ વર્ષ જૂની છે. પાલિકા દ્વારા તેનો સી-૧ જોખમી ઈમારતમાં સમાવેશ કરાયો છે. આ બિલ્ડિંગ અસુરક્ષિત હોવાથી ખાલી કરીને તોડી નાખવાની જરૃર હોવાનું પાલિકાએ કહ્યું હતું.
સ્લેબ તૂટી પડવાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ પાલિકાની ડિઝાસ્ટર મેનજેમેન્ટની ટીમ, પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. બિલ્ડિંગના આશરે ૩૦ ફલેટમાં રહેતા લગભગ ૧૦૦ રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બિલ્ડિંગને ખાલી કરાવી સીલ કરી દેવામાં આવી છે. અમુક રહેવાસીઓ તેમના સંબંધીઓના ઘરે રહેવા ગયા હતા. પાલિકા બિલ્ડિંગને લગતી આગળની કાર્યવાહી નક્કી કરશે એમ અધિકારીએ કહ્યું હતું.