ગોયલની ધરપકડ કાયદાની પ્રક્રિયા અનુસાર થયાની ઈડીની વિશેષ કોર્ટમાં રજૂઆત

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
ગોયલની ધરપકડ કાયદાની  પ્રક્રિયા અનુસાર થયાની ઈડીની વિશેષ કોર્ટમાં રજૂઆત 1 - image


જેટ એરવેઝના સ્થાપકની અરજીના જવાબમાં સોગંદનામું દાખલ

ધરપકડ ગેરકાયદે ગણાવતી અરજી પર કરાયો ખુલાસો

મુંબઈ :  જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કાયદા હેઠળ યોગ્ય પ્રક્રિયા અનુસર્યા બાદ જ કાયદેસર રીતે કરવામાં આવી છે અને તેઓ તપાસમાં સહકાર નથી આપતા અને માહિતી છુપાવતા હોવાથી કસ્ટડીની જરૃર હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું.

ગોયલે હેબિઅસ કોર્પસ અરજી કરી હતી જેના જવાબમાં એજન્સીએ સોગંદનામા મારફત જવાબ નોંધાવ્યો હતો. ગોયલે અરજીમાં પોતાની ધરપકડ ગેરકાયદે થઈ હોવાનો દાવો કર્યો હતો.

એજન્સીએ સોગંદનામામાં જણાવ્યું હતંં કે ગોયલે ખોટી રીતે અને બદઈરાદા પૂર્વકની અરજી કરી છે. કાનૂની કસ્ટડી ટાળવા માટેના ઈરાદે આ અરજી કરવામાં આવી હોવાનું એજન્સીએ જણાવ્યું હતું. 

અરજદાર તપાસમાં અસહકાર આપતાં શંકાસ્પદ નિવેદનો અને વર્તન હોવાને લીધે તપાસ આગળ વધારવા ધરપકડ કરવી પડી હતી અને ગુનાની રકમનું પગેરું મેળવવા તપાસ જરૃરી છે. ગુનાની રકમને ચેનલાઈઝ કરવા માટેના આર્થિક વ્યવહાર પાછળ ગોયલ મુખ્ય આરોપી છે.

જેટ એરવેઝ ઈન્ડિયા લિ.ના ખાતામાંથી પૈસા ગોયલ અને તેમના પરિવારના સભ્યોના અંગત ખર્ચ માટે વપરાયા હોવાનું ઈડીએ સોગંદનામામાં જણાવ્યું છે.

ઈડીએ દાવો કર્યો હતો કે ગોયલ જેટ એરવેઝ ઈન્ડિયા લિ.ના પ્રમોટર અને ચેરમેન હતા ત્યારે કંપનીએ વિવિધ બેન્કો પાસેથી અનેક લોનો લીધી હતી જે વર્ષો સુધી ચૂકવાઈ નહોતી.

ગોયલ પ્રતિભાશાળી, બુદ્ધિમાન અને તેના અનેક છેડા અડતા હોવાથી તેમને મુક્ત કરાશે તો પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા છે. ગોયલને પહેલાં દિલ્હીમાં અટકાયતમાં લીધા બાદ મુંબઈ લાવીને ધરપકડ કરાયાનો દાવો પણ એજન્સીએ નકાર્યો હતો.

શુક્રવારે એજન્સીએ ગોયલની અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે અરજીને ગોયલ કે તેમના પરિવારનું સમર્થન નથી. આથી ગાયલના વકિલે કોર્ટ પાસે અરજીમાં સુધારો કરવાની પરવાનગી માગતાં કોર્ટે ૧૨ ઓક્ટોબર પર સુનાવણી રાખી છે.ગોયલ હાલ અદાલતી કસ્ટડીમાં છે. કેનેરા બેન્ક સાથે રૃ. ૫૩૮ કરોડના કથિત ફ્રોડ સંબંધી મની લોન્ડરિંગ કેસમાં તેઓ જેલમાં છે.



Google NewsGoogle News