મહાદેવ બેટિંગ એપ કેસમાં રણબીર કપૂરને ઈડીના સમન્સ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
મહાદેવ બેટિંગ એપ કેસમાં રણબીર કપૂરને ઈડીના સમન્સ 1 - image


હવાલાથી લેવડદેવડ અંગે આવતીકાલે પૂછપરછ માટે બોલાવાયો

પ્રમોટરનાં ભપકાદાર લગ્નમાં હાજરી આપનારા બોલીવૂડના ૧૭ સ્ટાર્સ પર વારાફરતી તવાઈ આવશે

મુંબઈ: મહાદેવ બેટિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રણબીર કપૂરને તા. છઠ્ઠી ઓક્ટોબરે પૂછપરછ માટે હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ એપના પ્રમોટરના ભપકાદાર લગ્નમાં હાજરી આપના ૧૭ સેલિબ્રિટી ઈડીના રડાર પર છે. આ લગ્નમાં સ્ટાર્સની હાજરીની ગોઠવણ કરનારી મુંબઈની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને હવાલાથી નાણાં ચૂકવાયાની તથા આ સ્ટાર્સ સાથે થયેલી નાણાંકીય લેતીદેતીની શંકાના આધારે આ પૂછપરછ થઈ શકે છે. 

મહાદેવ બૂક ઓનલાઈન લોટરીના નામે ચાલતાં ગેમિંગ એપના પ્રમોટરોના નાણાંકીય  વ્યવહારો બાબતે ઈડી દ્વારા તપાસ થઈ રહી છે. 

ગયા મહિને આ એપના પ્રમોટરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં ૪૧૭ કરોડની રોકડ ઝડપાઈ હતી. તે જ વખતે તપાસમાં જાણવા મળ્યું હતું કે આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરે યુએઈમાં ૨૦૦ કરોડનું આંધણ કરી ભપકારદાર લગ્ન કર્યાં હતાં. 

તેમાં બોલીવૂડના અનેક સ્ટાર્સએ હાજરી આપી હતી. આ લગ્નમાં નેહા કક્કડ  તથા વિશાલ દદલાનીએ મ્યુઝિક પાર્ટીમાં ગીતો ગાયાં હતાં.  પાર્ટીમાં ટાઈગર શ્રોફ, રાહત ફતેહ અલી ખાન, સની લિઓની, નુસરત ભરુચા, અલી અસગર, પુલકિત સમ્રાટ, એલી એવરા, ભારતી સિંહ, ભાગ્યશ્રી, આતિફ અસલ્મ, કૃતિ ખરબંદા  સહિતના સંખ્યાબંધ સ્ટાર્સ હાજર હોવાનો વીડિયો વાયરલ થયો હતો. 

ઈડીની તપાસમાં જાણવા મળ્યુ ંહતું કે મુંબઈની એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની થકી આ સ્ટાર્સની હાજરી સુનિશ્ચિત કરવામાં આવી હતી. સ્ટાર્સને અપીયરન્સ ફી તરીકે જંગી રકમ ચૂકવાઈ હોવાનું કહેવાય છે.

 ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે હવાલાથી લેવડદેવડ થઈ હોવાનું સામે આવતાં ઈડીએ મની લોન્ડરિંગનાં એંગલથી તપાસ ચાલુ કરી છે. આ લગ્નમાં હાજરી આપવા, પરફોર્મ કરવા તથા પ્રવાસન ખર્ચ સહિતની તમામ રકમની લેતીદેતી કોણે કેવી રીતે કરી તે બાબતે આ તમામ સ્ટાર્સની એક પછી એક પૂછપરછ થવાની સંભાવના છે. આ યાદીમાં સૌથી પહેલું નામ રણબીર કપૂરનું આવ્યું છે.



Google NewsGoogle News