દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલનો થાણેનો ફલેટ ઈડી દ્વારા જપ્ત
થાણેમાં નિયોપોલિસ ટાવરમાં આવેલ ફલેટનો કબ્જો લીધોે
ઈકબાલે બિલ્ડરને ધાકધમકી આપી આ ફલેટ પચાવી પાડયો હોવાનો આરોપઃ માર્ચ 2022થી હંગામી ટાંચમાં હતો
મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરનો થાણેના નિયોપોલિસ ટાવરમાં આવેલા ફલેટનો જપ્ત કર્યો છે. ઈકબાલે ખંડણીના ભાગ રુપે આ ફલેટ પચાવી પાડયો હોવાનો આરોપ છે. આ ખંડણી સંદર્બમાં ૨૦૧૭માં થાણે પોલીસના એન્ટી એકસટોર્શન સેલમાં ઈબ્રાહિમ વિરુદ્ધ કેસ નાધવામાં આવ્યો હતો. બાદમાં ઈડીએ પણ આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ હાથ ધરી હતી.
આ કેસ અગાઉ માર્ચ ૨૦૨૨થી કામચલાઉ રીતે ટાંચમાં લેવાયો હતો. થાણેમાં ૨૦૧૭માં ખંડણી કેસ દાખલ થયો હતો. આ કેસની તપાસ એન્ટી એક્સટોર્શન સેલ દ્વારા હાથ ધરાઈ હતી. બાદમાં પોલીસે મની લોન્ડરિંગના એન્ગલથી તપાસ શરુ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મલ્યું હતું કે કાસકરે તેના સાગરિતો મુમતાઝ શેખ અને ઈસરાર અલી જમીલ સાથે મળીને સુરેશ મહેતા નામના બિલ્ડર ને ધાકધમકીઓ આપી હતી. બિલ્ડર પર આ મિલકત મુમતાઝ શેખના નામે રજીસ્ટ્રર કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. આ પ્રોપર્ટીની કિંમત ૨૦૨૨માં લગભગ રુ. ૭૫ લાખ આંકવામાં આવી હતી. આ ફલેટ બળજબરીથી શેખના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. વધુમાં બનાવટી ચેક દ્વારા રુ. ૧૦ લાખનો વ્યવહારો પણ દર્શાવામાં આવ્યા હતા.
ઈડીની તપાસમાં જણાયું હતું કે ખંડણી લેવાઈ હોવાનું છાપવાવ માટે નાણાંકીય વ્યવહારો થયા હતા. ફેબુ્રઆરી ૨૦૨૨માં ઈડીએ મુંબઈ તથા અન્યત્ર દાઉદ ગેંગની કામગીરી સંદર્ભમાં કાસકરની પૂછપરછ કરી હતી. બાદમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ (મકોકા) અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો સહિતના આરોપો દર્શાવાયા હતા.
૨૦૦૩માં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માંથી દેશનિકાલ થયા બાદ ભારત પરત ફરેલ ઈકબાલ કાસકરે ભારતમાં દાઉદ ઈબ્રાહિમના નામે ગુનાહિત પ્રવૃત્તિઓ શરુ કરી હતી. કરાચીમાં રહેતો દાઉદ આંતરાષ્ટ્રીય આતંકવાદી જૂથો અને ગુપ્તર એજન્સીઓ સાથે સંબંધ ધરાવતો હોવાનું માનવામાં આવે છે.