ઈડીએ સાંસદ સંજય રાઉતના સહયોગી પ્રવિણ રાઉતની રૃા.73 કરોડની સંપતી કરી જપ્ત
પત્રાચાલ પુનઃવિકાસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં
અગાઉ સંજય રાઉત અને પ્રવિણ રાઉતની ધરપકડ કરાઈ હતી
મુંબઈ : શિવસેના (ઉદ્ધ જૂથ)ના સાંસદ સંજય રાઉતના નજીકના સહયોગી પ્રવિણ રાઉતની રૃા.૭૩.૬૪ કરોડની સંપત્તિ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જપ્ત કરી છે. ગોરેગાવમાં પત્રા ચાલના પુનઃવિકાસમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપી પ્રવિણ રાઉત અને અન્ય સાથીદારોની પાલઘર, દાપોલી, રાયગઢ, થાણેમાં આવેલી સ્થાવર મિલકત ઈડીએ અસ્થાયીરૃપે જપ્ત કરી છે. એની કિંમત અંદાજે રૃા.૭૩.૬૨ કરોડ છે. આમ આ ગુનામાં અત્યાર સુધી રૃા.૧૧૬.૨૭ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)હેઠળ આ કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કેસમાં સંજય રાઉત અને પ્રવિણ રાઉતને પકડવામાં આવ્યા હતા. તેઓ હાલમાં જામીન પર બહાર છે.
મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગની એફઆઈઆર બાદ ઈડીએ મની લોન્ડરિંગની તપાસ હાથ ધરી હતી.
આરોપી પ્રવિણ રાઉત ગુરુ આશિષ કન્ટ્રક્શન પ્રા. લિ. (જીએસપીએલ)ના ડાયરેક્ટર હતા. ગોરેગાવ સ્થિત ૬૭૨ ભાડૂતની પત્રાચાલના પુનઃવિકાસનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું. ઈડીએ જણાવ્યું હતું કે 'રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધરતી વખતે નાણાંકીય ગેરરીતિ હાથ ધરવામાં આવી હતી. સોસાયટી, મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)અને ગુરુ આશિષ કન્ટ્રક્શન પ્રા.લિ. વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે મુજબ ડેવલપરે (જીએસીપીએલ) ૬૭૨ ભાડૂતોને ફ્લેટ પૂરા પાડવાના હતા. મ્હાડા માટે ફ્લેટ વિકસાવવાના હતા. ત્યારબાદ બાકીની જગ્યાનું વેચાણ કરવાનું એમ એજન્સીએ કહ્યું હતું.
જો કે જીએસીપીએલના ડાયરેક્ટરોએ મ્હાડાનો ગેરમાર્ગે દોર્યું હતું. ભાડૂતાના ૬૭૨ ફ્લેટ અને મ્હાડા માટેના ફ્લેટનું બાંધકામ કર્યા વિના નવ ડેવલપરોને ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ)વેચીને રૃા.૯૦૧.૭૯ કરોડની છેતરપિંડી કરી હતી.
આરોપી પ્રવિણ રાઉત દ્વારા છેતરપિંડીના રૃા.૯૫ કરોડ તેમના અંગત બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ રકમથી જમીન ખરીદવામાં આવી હતી. આ સિવાય પ્રવિણ રાઉત અને તેના સંબંધિત વ્યક્તિ દ્વારા પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી. આ કેસમાં ઈડીએ અત્યાર સુધીમાં બે ચાર્ચશીટ દાખલ કરાઈ છે.