જેટ એરવેઝના નરેશ ગોયલ સંબંધી 538 કરોડની મિલકતને ઈડીની ટાંચ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
જેટ એરવેઝના નરેશ ગોયલ સંબંધી  538 કરોડની મિલકતને ઈડીની ટાંચ 1 - image


કેનેરા બેન્ક સાથે રૃ. 538 કરોડના ફ્રોડ કેસમાં કાર્યવાહી 

લંડન, દુબઈ અને ભારત ભરમાં 17 ફલેટ્સ,  બંગલો તથા ક્મર્શિયલ બિલ્ડિંગ સહિતની મિલ્કતો ટાંચમાં લેવાઈ 

બેન્ક પાસેથી લોન લઈ તેમાંથી નરેશ ગોયલ તથા તેમના પરિવારજનોએ અંગત ખર્ચા માટે ઉચાપત કરી હતી

મુંબઈ :જેટ એરવેઝ (ઈન્ડિયા) લિ. સામે મની લોન્ડરિંગના કેસમાં ચાલી રહેલી તપાસ સંબંધે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ રૃ. ૫૩૮ .૦૫ કરોડની મિલકતને ટાંચમાં લીધી છે. હજુ  ગઈકાલે જ ઈડીએ નરેશ ગોયલ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી અને હવે તેમની સંપત્તિઓ ટાંચમાં લેવાઈ છે. 

તપાસ એજન્સીએ આપેલા નિવેદન અનુસાર જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમની પત્ની અનિતા ગોયલ અને પુત્ર નિવાન ગોયલ, જેટએર પ્રાઈવેટ લિ. અને જેટ એન્ટરપ્રાઈઝીસ પ્રા. લિ.સહિત વિવિધ વ્યક્તિઓ અને કંપનીઓના નામે રહેલા ૧૭ રહેણાંક ફ્લેટ/ બંગલો અને કમર્શિયલ પ્રીમાઈસીસ સહિતની મિલકતોને ટાંચમાં લેવાઈ છે. આ મિલકત લંડન, દુબઈ અને ભારતના વિવિધ રાજ્યોમાં આવેલી છે.

મંગળવારે ઈડીએ ગોયલ સામે આરોપનામું નોંધાવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈએ કેનેરા બેન્કની ૨૦૨૨ની ફરિયાદ પર નોંધેલી એફઆઈઆરને આધારે ઈડીએ કેસ દાખલ કર્યો હતો. એરલાઈન કંપનીના ઓપરેશન કાર્ય માટે લેવાયેલી લોનની રકમ અંગત  ખર્ચ માટે વાપરવામાં આવ્યાનો આરોપ છે.

૨૦૧૧-૨૦૧૯ દરમ્યાન એકસ્ટર્નલ ઓડિટ કંપની દ્વારા કરાયેલા ફોરેન્સિક ઓડિટને આધારે બેન્કે ફરિયાદ કરી હતી. કેનેરા બેન્કની લોનને ૨૦૧૯માં નોન પરફોર્મિંગ અસેટ (એનપીએ) જાહેર કરવામાં આવતાં ઈડીએ દાવો કર્યો હતો કે રૃ. ૫૩૮ કરોડની લોનની રકમ ગુનામાંથી રળેલી રકમ છે જેની ઉચાપત કરવામાં આવી છે. 

ઈડીની ચાર્જશીટ અનુસાર જેટ એરવેઝ લિમિટેડ દ્વારા સ્ટેટ બેન્ક તથા પીએનબી સહિતની બેન્કો પાસેથી લોન મેળવ્યા બાદ આ નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. જેટ એરવેઝનાં ભંડોળને પદ્ધતિસર રીતે અન્યત્ર વાળવામાં આવ્યાં હતાં અને  છેંતરપિંડી આચરવામાં આવી હતી. જનરલ સેલ્સ એજન્ટ કમિશનની વધારે પડતી રકમ દર્શાવીને જુદા જુદા પ્રોફેશનલ્સ તથા  કન્સલ્ટન્ટને બહુ ઊંચી રકમની ચૂકવણી કરવામાં આવી હતી. આ ચૂકવણીનો કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં આવ્યો નથી. આ જનરલ સેલ્સ એજન્ટ તરીકે જેટ એર પ્રાઈવેટ લિમિટેડ તથા જેટ એરવેઝ એલએલસી દુબઈ જેવી કંપનીઓનાં નામ દર્શાવાયાં હતાં. વાસ્તવમાં આ તમામ કંપનીઓના લાભકારકર માલિક નરેશ ગોયલ ખુદ જ હતા. નરેશ ગોયલ તથા તેમના પરિવારજનો દ્વારા આ રકમનો ઉપયોગ અંગત ખર્ચા તથા રોકાણો માટે કરવામાં આવ્યો હતો. 

જેટ એરવેઝ દ્વારા એર સહારા હસ્તગત કરવા માટે જેટલાઈટ નામની કંપની રચવામાં આવી હતી તેના માટે લેવાયેલી લોનનો પણ આમાં સમાવેશ થાય છે.  બાદમાં આ લોન માંડવાળ કરવામાં આવી હતી.



Google NewsGoogle News