શરદ પવારના ભાઈના પૌત્ર રોહિતની કંપનીઓ પર ઈડીના દરોડા

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
શરદ પવારના ભાઈના પૌત્ર રોહિતની કંપનીઓ પર ઈડીના દરોડા 1 - image


શરદ પવારના ગઢ બારામતીમાં પવાર પરિવાર પર ઈડી  ત્રાટકી

25000 કરોડના બેન્ક કૌભાંડ સંબંધિત કેસમાં બારામતી, પુણે, ઔરંગાબાદ, અમરાવતી સહિત 6 સ્થળાએ સર્ચં

મુંબઇ :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આજે  પચ્ચીસ હજાર કરોડના  મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૃપે એનસીપી પ્રમુખ શરદ પવારના પૌત્ર (ભત્રીજા-પુત્ર) અને એનસીપીના ધારાસભ્ય રોહિત પવારની બારામતીની કંપની પર દરોડા પાડયા હતા. ઇડીએ આજે સવારથી રોહિત પવારની માલિકીની બારામતી એગ્રોના બારામતી, પુણે, ઔરંગાબાદ, અમરાવતી સહિત કુલ છ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું, તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

રોહિત પવાર (૩૮) મહારાષ્ટ્ર વિધાનસભાની કર્જત-જામખેડ બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય છે અને બારામતી એગ્રોના માલિક અને સીઈઓ પણ છે, રોહિત પવાર બારામતીના સાંસદ સુપ્રિયા સુળે અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ભત્રીજા છે. 

રોહિત પવારની કંપની બારામતી એગ્રો દ્વારા મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક પાસેથી લેવાયેલી લોન કાં તો ચૂકવાઈ નથી અથવા તો તેનાં નાણાં અન્યત્ર વાળી દેવામાં આવ્યાં છે  તેવા આક્ષેપો થયા હતા. શરદ પવારના નિકટવર્તી લોકો બેન્કમાં  પદાધિકારી હતા અને તેમણે પૂરતા દસ્તાવેજો તપાસ્યા વિના જ આડેધડ લોન આપી દીધી હોવાના આક્ષેપો થયા હતા. 

 ૨૦૧૯માં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઇઓડબ્લ્યુ)એ નોંધેલ એક મની લોન્ડરિંગના કેસ બાદ આ બાબતે ઈડી તરફથી તપાસ શરૃ કરવામાં આવી હતી. બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ખાંડના કારખાનાઓ છેંતરપિંડી કરીને  વેચવાના આરોપોની તપાસ કરવા આદેશ જારી કર્યા પછી પોલીસ ફરિયાદ આવી હતી.

 રોહિત પવારની બારામતી એગ્રો કંપનીએ  દ્વારા કન્નડ સહકારી કારખાનું ૫૦ કરોડમાં ખરીદી ગેરરીતીઓ આચરવામાં આવી હોવાના આક્ષેપો પણ અગાઉ થયા હતા. 

ઇડીના દરોડા સંબંધી વધુ વિગતાનુસાર આજે સવારથી ઈડીએ બારામતીમાં આવેલ બારામતી એગ્રોની ઓફિસમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી અને કંપનીનું મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમ જ અન્યોના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી હતી. ત્યાર બાદ કલાકો સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ કંપની સાથે જોડાયેલા કુલ છ સ્થળો પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.



Google NewsGoogle News