સુપ્રિયા પર બીટકોઈન સ્કેમના આક્ષેપો સંદર્ભમાં ઈડીના છત્તીસગઢમાં દરોડા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના દિવસે પણ ઈડી એક્ટિવ
બિટકોઈન સ્કેમમાં નામોલ્લેખ ધરાવતી ઓડિટિંગ કંપનીના કર્મચારી ગૌરવને ત્યાં સર્ચ
મુંબઇ : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી વખતે જ મની લોન્ડરિંગ તપાસના ભાગરુપે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ બુધવારે રાજકીય બિટકોઇન ટ્રાન્ઝેકશન કૌભાંડ સાથે કથિત રીતે જોડાયેલા ઓડિટિંગ કંપનીના કર્મચારીના છતીસગઢના ઘરે દરોડા પાડયા હતા.
છતીસગઢની રાજધાની રાયપુરમાં ગૌરવ મહેતાના ઘરે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલની) હેઠળ કાર્યવાહી કરાઇ હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું. ત્યારે ઇડીએ ગૌરવના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ભાજપે મંગળવારે એનસીપી (શરદ પવાર)ના નેતા અને બારામતીના સાંસદ સુપ્રિયા સુળે તથા મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેના કથિત અવાજોની ઓડિયો ક્લિપના આધારે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે બિટકોઇન્સનો ઉપયોગનો પ્રયાસ કરાયો હતો.
હવે આ મામલામાં ઇડીએ આજે મોટી કાર્યવાહી કરી છે. શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેની કથિત ઓડિયો ક્લિપમાં ગૌરવ મહેતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઇડીએ તેના રાયપુર સ્થિત ઘરે છાપો માર્યો હતો. વર્ષ ૨૦૧૮માં થયેલા ક્રિપ્ટોકરન્સી કૌભાંડની તપાસ માટે દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી રવિન્દ્ર પાટીલે કહ્યુંહતું કે ૨૦૧૮ના ક્રિપ્ટોકરન્સી કૌભાંડના ગૌરવ મહેતા મુખ્ય આરોપી હતો. ગૌરવ મહેતા એક ઓડિટ ફર્મના કન્સલ્ટન્ટ છે. પોલીસ ૬,૬૦૦ કરોડના આ કૌભાંડમાં તેની પૂછપરછ કરી શકે છે. પાટીલે દાવો કર્યોહતો કે એનસીપી (શરદ પવાર) જૂથના નેતા સુપ્રિયા સુળે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ ગૌરવ મહેતાને ફોન કરીને ચૂંટણીના કામ માટે ક્રિપ્ટોકરન્સી કૌભાંડના પૈસા માંગ્યા હતા.
ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે એજન્સીએ ક્રિપ્ટો (બિટકોઇન) એસેટ પૌન્ઝી સ્કેમમાં ચાલી રહેલી મનીલોન્ડરિંગ તપાસને વિસ્તૃત કરી છે. એજન્સી મહેતા અને અન્યની રાજકારણીઓ, રાજકીય પાર્ટી સાથેની લિંકની તપાસ કરી રહી છે.
સુપ્રિયા સુળેએ તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમણે ચૂંટણી પંચ અને રાજ્યના સાયબર ક્રાઇમ વિભાગમાં ખોટા આરોપો સામે ફરિયાદ કરી છે. સુળેએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે તે ગૌરવ મહેતાને ઓળખતી નથી.
પટોલેએ પણ બીજેપીના આરોપોને ફગાવી દીધા અને કહ્યું હતું કે જે ક્લિપ પ્રસારિત કરવામાં આવી હતી એમાં મારો આવાજ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મારો અવાજ ઓળખે છે. અગાઉ એજન્સીએ આ કૌભાંડની તપાસની ભાગરુપે એપ્રિલમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની રૃા.૯૮ કરોડની સંપતી જપ્ત કરી હતી. જોકે શેટ્ટી દંપતીએ ઇડીની કાર્યવાહીને પડકારી હતી અને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મેળવી હતી.
ક્રિપ્ટો પોન્ઝી કેસમાં ઇડીની મની લોન્ડરિંગની તપાસ વેરિએબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સામે મહારાષ્ટ્ર અને દિલ્હી પોલીસની એફઆઇઆરથી શરૃ થઇ હતી. અમિત ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, અજય ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને સંખ્યાબંધ મલ્ટી લેવલ માર્કેટિંગ એજન્ટોએ બિટકોઇન (૨૦૧૭માં રૃા.૬,૬૦૦ કરોડની કિંમત)ના રૃપમાં જંગી રકમનું ભંડોળ એકત્ર કર્યું હોવાનો આરોપ છે. રોકાણકારોને દરમહિને ૧૦ ટકા વળતરના સ્વપ્ન દાખવવામાં આવ્યા હતા.