ફેર પ્લે બેટિંગ નેટવર્કના કેસમાં મુંબઈ તથા કરછમાં આઠ સ્થળે ઈડીના દરોડા
ક્રિશ લક્ષ્મીચંદ શાહ ફેર પ્લેનો માસ્ટરમાઈન્ડ
રોકડ, બેન્ક થાપણો, ચાંદીના બાર સહિત ચાર કરોડની સંપત્તિ જપ્તઃ ડિજિટલ ઉપકરણો, મિલ્કતના દસ્તાવેજો પણ હસ્તગત કરાયા
મુંબઇ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ફેરપ્લે ઓનલાઈન બેટિંગ નેટવર્ક સાથે સંકળાયેલાં મુંબઇ અને કચ્છમાં નાં આઠ સ્થળો પર દરોડા પાડયા હતા. આ દરોડામાં રોકડ, બેન્ક થાપણો તથા ચાંદીના બાર સહિત આશરે ચાર કરોડની સંપત્તિ જપ્ત કરાઈ હતી.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (પીએમએલએ) હેઠળ પાડવામાં આવેલા આ દરોડામાં ઇડીએ વિવિધ ગુનાહિત દસ્તાવેજો. ડિજિટલ ઉપકરણો અને મિલકતના દસ્તાવેજો પણ હસ્તગત કરાયા હતા. ફેરપ્લે સામે ચાલી રહેલ તપાસના એક ભાગરૃપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ કથિત રીતે આઇપીએલની ક્રિકેટ મેચોના ગેરકાયદે પ્રસારણમાં સામેલ છે.
આઈપીએલની મેચીસના પ્રસારણના કાયદેસરના હક્કો ધરાવતી કંપનીએ મુંબઇ સાયબર પોલીસમાં એક એફઆઇઆર દાખલ કરાવી હતી. આ એફઆઇઆરના આધારે ઇડીએ પણ આ સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી હતી. ઇડી અનુસાર ફેરપ્લે સ્પોર્ટસ એલએલસી અને તેની સાથે સંકળાયેલી અન્ય કંપનીઓએ તેના અત્યાધુનિક નેટવર્કનો ઉપયોગ કરી મેચોનું ગેરકાયદે પ્રસારણ કરી પ્રસારણ હક્કો ધરાવતી કંપનીને ૧૦૦ કરોડ રૃપિયાથી વધુુનું નુકસાન પહોંચાડયું હોવાનો દાવો આ ફરિયાદમાં કરાયો હતો. ફરિયાદમાં ફેરપ્લે પર ઇન્ડિયન પીનલકોડ (આઇપીસી) ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એકટ અને કોપારાઇટ એકટના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ કેસના કેન્દ્રમાં ક્રિશ લક્ષ્મીચંદ શાહ છે જેને ફેરપ્લેનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. ઇડીની તપાસમાં આંતરરાષ્ટ્રીય શેલ કંપનીઓના નેટવર્કનો પણ પર્દાફાશ થયો છે જેમાં મેસર્સ પ્લેવેન્ચર્સ એન.વી. મેસર્સ ડચ એન્ટિલ્સ મેનેજમેન્ટ એન.વી. (કુરાકાઓ) મેસર્સ ફેરપ્લે સ્પોર્ટસ એલએલસી અને મેસર્સ ફેરપ્લે મેનેજમેન્ટ ડીએમસીસી (દુબઇ) અને મેસર્સ પ્લે વેન્ચર્સ હોલ્ડિંગ લિમિટેડ (માલ્ટા)નો સમાવેશ થાય છે. જેમણે ફેરપ્લેના ગ્લોબલ ઓપરેશન માટે સપોર્ટ સિસ્ટમ ુભી કરવાનું કામ કર્યું હતું. દુબઇ ફેરપ્લેના ઓપરેશનલ નર્વ સેન્ટર તરીકે ઉભરી આવ્યું છે જેમાં ભારતના એકમો દ્વારા ટેક્નિકલ અને નાણાકીય લોજિસ્ટિક્સનું સંચાલન થાય છે.
દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓથી વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમા ભારતમાંથી સટ્ટાબાજીના નેટવર્ક સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા ૧૦૦ કરોડ રૃપિયાથી વધુની કિંમતની મૂલ્યની સંપત્તિના સંપાદનનો સમાવેશ થાય છે. ઇડીના આ તાજેતરના દરોડા જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવેલા ઇડીના ઓપરેશનના અનુસંધાનમાં પાડવામાં આવ્યા છે. જે હેઠળ ૧૧૩ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ રૃા. ૧૧૭ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.