20,000 કરોડના બેન્ક ફ્રોડમાં એમટેક ગ્રુપ પર ઈડીના દરોડા
મુંબઈ, નાગપુર, દિલ્હી સહિત ૩૫ સ્થળોએ ટીમો ત્રાટકી
લોનની રકમનો રિયલ એસ્ટેટ, વિદેશી રોકાણોમાં ઉપયોગ, બોગસ દેવું દર્શાવી નવી લોનો લીધી, શેલ કંપનીઓને ટ્રાન્સફર સહિતના આરોપો
મુંબઇ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આજે ૨૦ હજાર કરોડથી વધુની કથિત બેન્ક લોન ફ્રોડ કેસમાં એક કંપની અને પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસના ભાગરૃપે દિલ્હી-એનસીઆર, મુંબઈ અને નાગપુરમાં લગભગ ૩૫ સ્થળોએ તપાસ હાથ ધરી હતી તેનું પીટીઆઇએ સત્તાવાર સ્ત્રોતોના અહેવાલને આધારે જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યાનુસાર એમટેક ગુ્રપ અને તેના ડિરેક્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અરવિંદ ધામ, ગૌતમ મલ્હોત્રા અને અન્યોનો સમાવેશ થાય છે. આજે સવારથી દરોડાની કાર્યવાહી દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા, મુંબઈ અને નાગપુરમાં લગભગ ૩૫ કમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્થળો પર હાથ ધરવામાં આવી હતી.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર અમુક લિસ્ટેડ કંપનીઓમાં ૨૦ હજાર કરોડથી વધુના બેન્ક લોન ફ્રોડના આરોપો પર એમટેક-એસિલ લિમિટેડની એક ગુ્રપ એન્ટિટી સામે સીબીઆઇએ એફઆઇઆર નોંધી તપાસ હાથ ધરી છે. આ પ્રકરણે અંતે એનસીએલટીની કાર્યવાહીમાં નજીવી કિંમતે કબજો લેવામાં આવ્યો હતો. પરિણામે બેન્કોના કોન્સોર્ટિયમની નજીવી રિકવરી થઈ હતી. આ સમગ્ર પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે પણ ઈડીની તપાસની માગ કરી હતી, તેવું સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું. ઈડી મુજબ, આનાથી સરકારી તિજોરીને આશરે રૃ. ૧૦ હજારથી ૧૫ હજાર કરોડનું નુકસાન થયું હતું.
ઈડીનું માનવું છે કે આ ફ્રોડ કેસમાં લોનના ભંડોળને રિયલ એસ્ટેટ, વિદેશી રોકાણો અને નવા સાહસોમાં રોકાણ કરવા માટે વાળવામાં આવ્યું હતું. પીટીઆઇએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે બોગસ વેચાણ, મૂડી અસ્કાયમતો, દેવદારો અને વધુ નફો દર્શાવી વધુ લોન મેળવવા માટે જૂથની સમસ્યાઓ દર્શાવવામાં આવતી જેથી નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) ઢંકાઈ રહે અને ટેગ ન થાય.
એવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે લિસ્ટેડ કંપનીઓના શેરમાં હેરાફેરી કરવામાં આવી હતી અને ઓડિટર્સ અને પ્રોફેશનલ્સની સંડોવણી દ્વારા મોટી લોન મેળવવા તેમના નાણાકીય નિવેદનો સહિત અન્ય જૂઠાણા આચરવામાં આવ્યા હતા. ઈડીએ શોધી કાઢ્યું હતું કે હજારો કરોડની સંપત્તિ કથિત રીતે શેલ કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી. વધુમાં અસંખ્ય વિદેશી અસ્ક્યામતો કથિત રીતે હસ્તગત કરવામાં આવી હતી. આ ઉપરાંત બેનામી ડિરેક્ટરો અને શેરધારકોનો ઉપયોગ કરીને મોટા ભંડોળને કથિત રીતે છૂપાવવામાં આવ્યું હતું.