પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રાના ઘર, ઓફિસ સહિત 15 સ્થળે ઈડીના દરોડા
પોર્ન રેકેટ કેસમાં મની લોન્ડરિંગના એંગલની તપાસ
મુંબઈ ઉપરાંત યુપીમાં પણ ઈડીની ટીમો પહોંચી : ગોરખપુરના કુન્દ્રા સાથે સંકળાયેલા યુપીના સોફ્ટવેર એન્જિનિયરની અટકાયત
મુંબઇ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ૯ઇડી)એ શુક્રવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુદ્રા અને અન્ય કેટલાક લોકો સંબંધિત પોર્ન રેકેટ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૃપે ઘર, ઓફિસમાં દરોડા પાડયા હતા. મુંબઇ અને ઉત્તર પ્રદેશમાં લગભગ ૧૫ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈડી દ્વારા યુપીના ગોરખપુરના કુશીનગરમાંથી કુન્દ્રા સાથે સંકળાયેલા એક સોફટવેર એન્જિનિયરની અટકાયત કરવામાં આવી હતી.
ઈડી દ્વારા મુંબઈ ઉપરાતં યુપી તથા ગોરખપુર સહિતના ં સ્થળોએ પણ તપાસ કરાઈ હતી .ગોરખપુરના કુશીનગરના રહેવાસી અતુલ શ્રીવાસ્તવની અટકાયત કરાઈ હોવાનું કહેવાય છે. અતુલ શ્રીવાસ્તવ કુન્દ્રાની કંપનીઓ માટે સોફ્ટવેર એન્જિનિયર તરીકેની કામગીરી કરતો હોવાનું કહેવાય છે. જોકે, તેના બેન્ક ખાતાંમાં કેટલીક શંકાસ્પદ લેવડદેવડ થઈ હોવાનું પણ કહેવાય છે. ઈડીએ શ્રીવાસ્તવના પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી.
અતુલ શ્રીવાસ્તવ પોર્ન કન્ટેન્ટનાં વિતરણ તથા વિદેશી એપ્સને વેચાણ થકી નાણાંકીય લેવડદેવડ સાથે કોઈ રીતે સંકળાયેલો છે કે કેમ તેની તપાસ થઈ રહી છે.
કુન્દ્રા સામે ૨૦૨૧માં પોર્ન એપ્સ માટે ફિલ્મો બનાવવા તથા આવી પોર્ન ફિલ્મો વેચવાને લગતા કૌભાંડમાં પોલીસે બે મહિલાઓની ફરિયાદના આધારે એફઆઇઆર દાખલ કરી હતી જ્યારે અન્ય એક મહિલાએ લોનાવલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના દાવા અનુસાર હોટશોટ્સ નામના એપ દ્વારા અશ્લીલ વિડીયો અપલોડ કરાતા હતા. આ અશ્લીલ સામગ્રી વિદેશમાં પણ વેચાતી હતી. આ કેસમાં કુન્દ્રાની ધરપકડ થઈ હતી. જોકે, બે મહિના જેલમાં વિતાવ્યા બાદ સપ્ટેમ્બર ૨૦૨૧માં તેનો જામીન પર છૂટકારો થયો હતો.
રાજ કુન્દ્રાએ અગાઉ સ્વબચાવમાં દાવો કર્યો હતો કે કથિત પોર્ન ફિલ્મ નિર્માણમાં તે સક્રિય રીતે સામેલ હોવાના કોઇ પુરાવા નથી. તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો અને એફઆઇઆરમાં તેનું નામ પણ નહોતું. આ કેસમાં પોલીસ દ્વારા તેને સંડોવવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે આ કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલીક અભિનેત્રીને વેબ સિરીઝ અને શોર્ટ ફિલ્મમાં બ્રેક આપવાની લાલચ અપાઇ હતી. આ અભિનેત્રીઓને ઓડિશન માટે બોલાવવામાં આવી હતી અને તેમને બોલ્ડ દ્રશ્યો આપવા માટે કહેવામાં આવ્યું હતું. ન્યૂડ અને અર્ધનગ્ન વીડિયો બનાવવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેમની તપાસમાં જાણવા મળ્યું કે કુન્દ્રાએ આર્મ્સ પ્રાઇમ મીડિયા પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. જેણે લંડન સ્થિત કેનરીન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સોશિયલ મીડિયા પર વાંધાજનક વીડિયો અપલોડ કરવા માટે હોટશોટ્સ એમ ખરીદી હતી.
કુન્દ્રાના ફોનમાં કેનરીન અને તેના નાણાકીય વ્યવહારો સંબંધિત વોટસ એપ ચેટસ હતા. પોલીસે જણાવ્યં હતું કે તેણે ૧૧૯ એડલ્ટ ફિલ્મો એક વ્યક્તિને ૧.૨ મિલિયન ડોલરમાં વેચવાની ચર્ચા કરી હતી.
અગાઉ બિટકોઈન કૌભાડંમાં કુન્દ્રાની મિલ્કતો જપ્ત થઈ હતી
આ વર્ષની શરૃઆતમાં રાજ કુન્દ્રા ઇડીની જાળમાં ફસાઇ ગયા હતા. ગેઇન બિટકોઇન પોન્ઝી કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના ભાગહરૃપે કુન્દ્રાના મુંબઇમાં રહેણાંક ફ્લેટ, પુણેમાં એક બંગલો અને ઇક્વિટી શેર સહિત રૃા. ૯૮ કરોડની માલમત્તા જપ્ત કરી હતી. ઇડીની તપાસમાં તેમણે સંપૂર્ણ સહકાર આપ્યો હતો.
બાદમાં દંપત્તીએ ઇડીની કાર્યવાહીને બોમ્બે હાઇકોર્ટમાં પડકારી હતી. જેના કારણે કોર્ટે ઇડીના જપ્તીના આદેશ સામે રાહત આપી હતી. અગાઉ અભિનેત્રીઓને વેબ સિરીઝમાં અભિનયનું વચન આપીને પોર્ન ફિલ્મ બનાવવાનું રેકેટ પ્રકાશમાં આવતા ચકચાર જાગી હતી.
આ કેસને શિલ્પા સાથે કોઈ લેવાદેવા નથીઃ વકીલનો દાવો
ઇડીના દરોડાના પગલે શિલ્પા શેટ્ટીના વકીલે નિવેદન આપતા કહ્યું કે અભિનેત્રીઆવી કોઇ બાબતમાં સામેલ નથી. શિલ્પા શેટ્ટી કુન્દ્રા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાના મીડિયાના અહેવાલો સાચા નથી અને ભ્રામક. મારી જાણ મુજબ શિલ્પા શેટ્ટી કુન્દ્રા પર ઇડીના દરોડા પાડવામાં આવ્યા નથી કેમ કે તેમનો કોઇપણ પ્રકારના ગુના સાથે કોઇ લેવા દેવા નથી. રાજકુન્દ્રા દ્વારા તપાસમાં સહકાર અપાઈ રહ્યો છે. વકીલે મીડિયામાં આ કેસ સાથે શિલ્પાનું નામ સાંકળવા સામે પણ ચેતવણી આપી હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૯ શિલ્પાએ કુન્દ્રા સાથે સગાઇ કરી હતી. પછી બંનેએ નવેમ્બર, ૨૦૦૯માં લગ્ન કર્યા હતા. ઇન્ડિયન પ્રીમીયર લીગ (આઇપીએલ)માં ક્રિકેટ ટીમ, રાજસ્થાન રોયલ્સની તે કુન્દ્રા સાથે સહ-માલિક હતી.