શરદ પવાર પર ઈડીની તરાપ, પૌત્ર રોહિતની 50 કરોડની સંપત્તિ જપ્ત
લોકસભા ચૂંટણી પહેલાં વધુ એક વિપક્ષી નેતા ઈડીના સાણસામાં
મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક કૌભાંડમાં અગાઉ દરોડા બાદ હવે રોહિતની માલિકીની સુગર મિલની સંપત્તિઓ જપ્ત કરાઈ
મુંબઇ : લોકસભા ચૂંટણી પહેલાં જ વિપક્ષી નેતાઓને ગાળિયામાં લેવાના સિલસિલામાં વધુ એક ઉમેરા રુપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એનસીપી( શરદચંદ્ર પવાર)ના મોભી શરદ પવારના પૌત્ર રોહિત પવારની ૫૦ કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક કૌભાંડમાં ઈડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ આ કૌભાંડ સંદર્ભે રોહિતને ત્યાં ઈડીના દરોડા પણ પડયા હતા. તે વખતે તેમની કલાકો સુધી પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ કૌભાંડ સંદર્ભે ઈડી દ્વારા મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે તેના ભાગ રુપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
રોહિત પવારની કંપનીની માલિકી હેઠળની એક સુગર મિલની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી હોવાનું ઈડી દ્વારા જણાવાયું હતું.
ઈડીના જણાવ્યા અનુસાર ઔરંગાબાદ જિલ્લાના કન્નડ ગામ ખાતે આવેલાં કન્ન્ડ સહકારી સાકર કારખાનાં લિમિટેડની જમીન, મશીનરી, પ્લાન્ટ તથા સમગ્ર ઈમારત સહિતની સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી થઈ છે. કન્નડ સહકારી સાકર કારખાનાંની માલિકી બારામતી એગ્રો લિમિટેડ નામની કંપની ધરાવે છે. બારામતી એગ્રો લિમિટેડ રોહિત પવારની કંપની છે.
રોહિત પવાર હાલ એનસીપીના શરદ પવાર જૂથનાં ધારાસભ્ય પણ છે અને એનસીપીમાં બળવો થયા બાદ તેઓ શરદ પવારની સાથે જ રહ્યા છે.
ગત જાન્યુઆરી માસમાં પણ ઈડીએ બારામતી એગ્રો, કન્નડ સહકારી ખાંડ ફેક્ટરી તથા અન્ય કેટલીક મિલ્કતો ખાતે દરોડ ા પાડયા હતા. તે પછી ગઈ તા. પહેલી ફેબુ્રઆરીએ ઈડી દ્વારા રોહિત પવારની આશરે આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. રોહિત પવારન પૂછપરછ વખતે તેમને ટેકો આપવા માટે સુપ્રિયા સૂળે ઈડી ઓફિસ ખાતે હાજ ર રહ્યા હતા અને મધરાત સુધી રોહિત પવારની પૂછપરછ ચાલી ત્યાં સુધી શરદ પવાર પણ મુંબઈ ઈડી ઓફિસની નજીક જ આવેલી તેમના પક્ષની કચેરીમાં રોહિત પવારની રાહ જોતા બેસી રહ્યા હતા.
મુંબઈ પોલીસની આર્થિક અપરાધ નિવારણ શાખાએ ૨૦૧૯માં મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક કૌભાંડમાં મની લોન્ડરિંગ બાબતે એફઆઈઆર દાખલ કરી હતી. મહારાષ્ટ્રમાં સહકારી ખાંડ મિલોની મિલ્કતોને સાવ ચણામમરાના ભાવે વેચી દઈ ૨૫,૦૦૦ કરોડ ે રુપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા હતા. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર પોલીસને આ આક્ષેપોની તપાસ કરવા આદેશ આપ્યો હતો. તેને પગલે આ કૌભાંડમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.