ઉલ્હાસનગરના એડિ. મ્યુ. કમિશનર સામે મહિલા કર્મચારીની છેડતીનો ગુનો
જુનિયર કર્મચારીને કેબિનમાં અયોગ્ય સ્પર્શ, અભદ્ર માંગણીના આક્ષેપ
1 વર્ષ સુધી વારંવાર છેડતી, પિતાની બીમારીને કારણે 1 વર્ષ બાદ ફરિયાદ નોંધાવી
મુંબઇ : થાણે જિલ્લામાં આવેલ ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક એડિશનલ કમિશ્નર જમીર લેંગરેકર સામે જુનિયર મહિલા કર્મચારીને તેમની કેબિનમાં બોલાવી વિનયભંગ કરવા પ્રકરણે ગુનો નોંધાયો છે.
આ અધિકારી સામે મહિલાએ એવો આરોપ કર્યો હતો કે લેંગરેકર તેને અવારનવાર એક યા બીજા કારણસર કેબિનમાં બોલાવતા અને અયોગ્ય સ્પર્શ કરતા. આ સિવાય અધિકારીએ મહિલા કર્મચારી પાસે અભદ્ર માગણી પણ કરી હતી.
ઉલ્હાસનગર સેન્ટ્રલ પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યાનુસાર આ સંદર્ભે ૪૨ વર્ષની મહિલા કર્મચારીએ આરોપી (૪૬) સામે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી અધિકારી એક યા બીજા કારણસર તેને અવારનવાર તેની કેબિનમાં બોલાવતો અને અયોગ્ય સ્પર્શ કરતો આ સિવાય તેણે મહિલા પાસે અભદ્ર માગણી પણ કરી હતી. આ કથિત ઘટના એપ્રિલ ૨૦૨૨થી જુલાઇ ૨૦૨૩ સુધી બની હતી અંતે કંટાળીને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલા કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે આરોપી લેંગરેકર સામે કલમ ૩૫૪ (વિનયભંગ) ૩૫૪ (એ) (જાતીય સતામણી), ૫૦૯ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બાબતે ફરિયાદી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે આ બાબતે અગાઉ ફરિયાદ નોંધાવી નહોતી કારણ કે તેના પિતા કેન્સરથી પીડાતા હતા અને તે તેની સારવારમાં વ્યસ્ત હતી.