125 કરોડના મની લોન્ડરિંગના આરોપીનો મેડિકલ ટેસ્ટ કરવાનું ઈડી ભૂલી ગઈ
અમદાવાદ એરપોર્ટ પરથી લુક આઉટ સર્ક્યુલર દ્વારા ઝડપાયો હતો
માલેગાંવની બેન્કમાં હવાલા થકી ટ્રાન્સફર કરવાના કેસમાં કોર્ટે એજન્સીની ઝાટકણી કાઢીને આરોપીને શુક્રવારે હાજર કરવા નિર્દેશ આપ્યો
મુંબઈ : માલેગાંવ બેન્ક સંબંધી ૧૨૫ કરોડના મની લોન્ડરિંગના કેસના સૂત્રધારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વિશેષ પીએમએલેએ કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. જોકે એજન્સી આરોપી અક્રમ શફીની તબીબી તપાસ કરાવી નહોતી.
વિશેષ કોર્ટે એજન્સીનો ઉધડો લઈને શુક્રવારે શફીને ફરી હાજર કરવા જણાવ્યું હતું. લુક આઉટ સર્ક્યુલર જારી કરાયા બાદ શફી અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓથોરિટી દ્વારા પકડાયો હતો. તે દુબઈ નાસી જવાનો પ્રયાસ કરતો હતો.
શફીએ મની લોન્ડરિંગ કરવા માલેગાંવમાં ૧૪ ખાતા ખોલાવવા શફીએ દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનો દાવો કર્યો હતો. એજન્સીએ દાવો કર્યો હતો કે હવાલા થકી રૃ. ૧૨૫ કરોડની રકમ ટ્રાન્સફર થઈ હતી.
ઈડીએ શફીની કસ્ટડી માગવા દલીલો શરૃ કરી ત્યારે કોર્ટને ધ્યાનમાં આવ્યું હતું કે તેના તબીબી તપાસના અહેવાલ રજૂ કરાયા નથી. કોર્ટે અધિકારીની ઝાટકણી કાઢીને શુક્રવારે ફરી તેને હાજર કરવા જણાવ્યું હતું.
સરકારી પક્ષના કેસ અનુસાર શફીએ સૂરતના ફરાર આરોપી બહેસ્સનીયા વલી મોહમ્મદ સાથે મળીને અનેક શેલ કંપનીઓ ખોલીને કાળા નાણા ધોળા કર્યા હતા. શફીની સૂચના પર રૃ. ૧૪ કરોડની રકમ સિરાજ મોહમ્મદ અને તેના સાથીએ ઉપાડી હતી અને આંગડિયા દ્વારા મુંબઈ પહોંચાડી હતી.
તપાસમાં જણાયું હતું કે માલેગાંવથી સાગર નામની વ્યક્તિએ ભંડોળ મેળવ્યું હતું સાગર મુખ્ય આરોપી અક્રમ સફીનો માણસ હતો અને માલેગાંવથી હવાલા મારફત મુંબઈ મોકવાલેવી રકમ સ્વીકારતો હતો.