મહાદેવ એપના 2 આરોપીઓને દુબઇથી લાવવા ઇડીએ નવેસરથી ચાર્જશીટ નોંધાવી

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
મહાદેવ એપના 2 આરોપીઓને દુબઇથી લાવવા ઇડીએ નવેસરથી ચાર્જશીટ નોંધાવી 1 - image


રવિ ઉપ્પલ અને સૌરભ ચન્દ્રાકરને ઇડી ભારત લાવશે         

પહેલી જાન્યુઆરીએ નોંધાવવામાં આવેલી ૧૮૦૦ પાનાની નવી ચાર્જશીટમાં પાંચ આરોપીઓના નામ 

મુંબઈ -  મહાદેવ ઓનલાઇન બુક નામનું ઓનલાઇન ગેમ્બલિંગ અને બેટિંગનું તરકટ ચલાવનારાં છત્તીસગઢના બે ગઠિયાઓ રવિ ઉપ્પલ અને સૌરભ ચન્દ્રાકરને દુબઇથી ભારત લાવવા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ-ઇડી દ્વારા રાયપુરની વિશેષ કોર્ટમાં નવેસરથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં મની લોન્ડરિંગને મહાદેવ ઓનલાઇન બુક એપ દ્વારા થતાં ગેરકાયદે બેટિંગ અને ગેમિંગની સાથે સાંકળવામાં આવ્યા છે. 

છત્તીસગઢના બે ગઠિયાઓ સૌરભ ચંન્દ્રાકર અને રવિ ઉપ્પલને દુબઇથી ભારત લાવવા ઇડી આ નવી ચાર્જશીટ દુબઇની ઓથોરિટી સાથે શેર કરશે. બંને આરોપીઓને ડિપોર્ટેશન અથવા  પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવામાં આવશે. બંને આરોપીઓની  ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ ને આધારે દુબઇમાં અટકાયત કરવામાં આવી હતી. ઇડીએ પહેલી ચાર્જશીટ યુએઇની ઓથોરિટી સાથે શેર કરી તેના આધારે બંને સામે બિનજામીનપાત્ર વોરન્ટ મેળવ્યા હતા અને તેને આધારે ઇન્ટરપોલ પાસ તેમની વિરૃદ્ધ ે રેડ કોર્નર નોટિસ બહાર પડાવવામાં આવી હતી. 

પહેલી જાન્યુઆરીએ નોંધાવવામાં આવેલી ૧૮૦૦ પાનાની ચાર્જશીટમાં પાંચ આરોપીઓના નામ છે. જેમાં રોકડ રકમની હેરફેર કરનારા અસીમ દાસ, પોલીસ કોન્સ્ટેબલ ભીમ સિંહ યાદવ, શુભમ સોની તથા અન્ય આરોપીઓના નામ સામેલ છે. ઇડીના વકીલ સૌરભ પાંડેએ જણાવ્યું હતું કે દસ જાન્યુઆરીએ વિશેષ પીએમએલએ કોર્ટ આ ચાર્જશીટને ધ્યાનમાં લે તેવી ધારણા છે.

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કાનું મતદાન થાય એના પહેલાં જ ઇડીએ નવેમ્બરમાં દાસ અને યાદવની ધરપકડ કરી હતી. એપના માલિક હોવાનો દાવો કરતાં  સોનીએ અગાઉ વિડિયો નિવેદન જારી કરી ઇડીને એફિડેવિટ મોકલાવી હતી કે તેની પાસે ટોચના રાજકારણી તથા તેમની સાથે કડી ધરાવતાં વ્યક્તિઓને  તેમનો ગેેરકાયદે બિઝનેસ કોઇ કાનુની પગલાં ના ભય વિના ચલાવવા માટે ચૂકવવામાં આવેલી કટકીના પુરાવા છે. એજન્સીએ નવેમ્બરમાં દાવો કર્યો હતો કે અસીમદાસના નિવેદન અને અન્ય ફોરેન્સિક પુરાવાઓ પરથી જણાય છે કે મહાદેવ બેટિંગ એપના પ્રમોટરોએ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ ને ૫૦૮ કરોડ રૃપિયા ચૂકવ્યા હતા. આ આક્ષેપો તપાસને આધીન છે. કોંગ્રેસે આ આરોપોને  તેના સીએમ સામે કેન્દ્રનું વેરભાવનું રાજકારણ ગણાવ્યા હતા. અસીમ દાસે બાદમાં રાયપુરની વિશેષ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેને કાવતરાંમાં ફસાવવામાં આવ્યો હતો અને તેણે કોઇ રોકડ રકમ રાજકારણીને પહોંચાડી નથી. 

ઇડીએ તેની રાયપુરમાં પીએમએલએ કોર્ટમાં નોંધાવેલી પહેલી ચાર્જશીટમાં અન્ય આરોપીઓની સાથે ચન્દ્રાકર અને ઉપ્પલના નામો પણ જણાવ્યા હતા.  



Google NewsGoogle News