564 કરોડની ઠગાઈના કેસમાં આરોપી અંબેર દલાલ સામે ઈડીનું આરોપનામું
પોન્ઝી સ્કીમના નામે 2000થી વધુ રોકાણકારોની છેતરપિંડી
આરોપી અને પરિવારજનોના નામે દુબઈ અને યુએઈમાં રહેલી રૃ.૬૭ કરોડની મિલકતને ટાંચ
મુંબઈ - પોન્ઝી સ્કીમ મારફત રોકાણકારો સાથે ઠગાઈ બદલ રિટ્ઝ કન્સલ્ટન્સી સર્વિસીસના પ્રમોટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમ્બેર દલાલ સામેના ૫૬૪ કરોડના ફ્રોડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આરોપનામું દાખલ કર્યું છે. દલાલ ૧૨ દિવસ ફરાર રહ્યા બાદ માર્ચમાં ઉત્તરાખંડથી પકડાયો હતો.
ઓશિવરા પોલીસ સ્ટેશને ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ નંધેલી એફઆઈઆરને આધારે ઈડીએ તપાસ શરૃ કરી હતી. મૂળ કેસ બાદમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાને સોંપાયો હતો.
તપાસમાં જણાયું હતું કે દલાલે ૨૦૦૦થી વધુ વ્યક્તિઓ પાસેથી કોમોડિટી ટ્રેડિંગ અને ૧.૫થી ૧.૮ ટકા માસિક વ્યાજની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું. હકીકતમાં તે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે રજિસ્ટર્ડ બ્રોકર સબ બ્રોકર કે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર પણ ન હોતો કે રોકાણકારો કે જનતા પાસેથી ભંડોળ માગવવાની સત્તા પણ નહોતી.
તેણે આ ભંડોળ અંગત વપરાશ માટે વાપર્યું હતું. દલાલ અને તેના પરિવારના સભ્યો અને સહયોગીઓના એકથી વધુ બેન્ક ખાતામાં ભંડોળ વાળવામાં આવ્યા હતા.
ગુરુવારે વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલા આરોપનામામાં ઈડીએ જણાવ્યું હતું કે દલાલની કંપનીએ રોકાણકારો પાસેથી રૃ. ૫૬૪ કરોડ મેળવ્યા હતા. આમાંનું મોટાભાગનું ભંડોળ તેના પરિવારના સભ્યોના નામે મિલકત ખરીદીમાં વપરાયું હતું. રૃ. ૧૫.૦૪ કરોડની રકમ નિકટવર્તી રશ્મી પ્રસાદને ડાઈવર્ટ કરાઈ હતી.
કેસમાં દુબઈ, સંયુક્ત આરબ અમિરાતમાં આવેલી મિલકત સહિત ૬૭ કરોડની મતાને ઈડીએ ટાંચમાં લીધી છે. આ મિલકતોમાં સ્થાવર મિલકતો, બેન્ક ફંડ, ડીમેટ હોલ્ડિંગ્સ, વીમા પોલિસી, વૈકલ્પિક રોકાણનો સમાવેશ થાય છે અને તે દલાલ, તેના સંબંધી અને સહકારીઓના નામે હોવાનું એજન્સીના સૂત્રોએ જણાવ્યંા હતું.
ટાંચમાં લીધેલી મિલકતને જપ્ત કરવા અને ગુનાની રકમ વસૂલવા તેમ જ અન્ય વ્યક્તિઓની ભૂમિકા શોધવાની આવશ્યકતા ઈડીએ વ્યક્ત કરી છે.