આર્થિક ગુના શાખાનો જવાન રંગે હાથ લાંચ લેતા ઝડપાયો
તમાકુ સોપારીના ધંધા માટે પોલીસે મહિને 10 હજારનો હપ્તો માગ્યો
નક્કી કરેલી તારીખે હપ્તો નહિ મળતાં જવાને વેપારીને ધાકધમકી આપી
મુંબઇ - તમાકુ- સોપારીનો ધંધો કરતા એક વેપારી પાસેથી તેને ધંધો ચાલુ રાખવા દેવા માટે દર મહિને ૧૦ હજાર રૃપિયાની લાંચ માગનાર મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાના એક કોન્સ્ટેબલ વિશાલ યાદવની એન્ટી કરપ્શન બ્યુરોએ ધરપકડ કરી હતી.
ફરિયાદી વેપારી મુંબઇમાં તમાકુ અને સોપારીનો ધંધો કરે છે. વેપારી સામે કોઇ કાર્યવાહી ન કરવા અને તેને ધંધો ચાલુ રાખવા દેવા શરૃઆતમાં યાદવે પાંચ હજાર રૃપિયાની માગણી કરી હતી. જો કે પછી તેણે વેપારીને દર મહિને દસ હજાર રૃપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું. દર મહિનાની સાત તારીખે આ રકમ મળી જવી જોઇએ તેવી ધમકી પણ યાદવે વિશાલને આપી હતી.
સાત ફેબુ્રઆરીના રકમ ન મળતાં યાદવે વેપારીને આ બાબતે પૂછયું હતું. આ સમયે વેપારીએ ૧૦ ફેબુ્રઆરીના રકમ પહોંચાડવાનું જણાવ્યું હતું અને એન્ટી કરપ્શન બ્યુરોમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ ત્યારબાદ છટકું ગોઠવ્યું હતું અને યાદવને આ રકમ સ્વીકારતા પકડી પાડયો હતો. યાદવ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.