કમલા મિલની બિલ્ડિગમાં વહેલી સવારે આગઃ 5 માળ સુધી પ્રસરી
ઓફિસો બંધ હોવાના સમયે આગ લાગતાં લોકો બચી ગયા
ફાયરબ્રિગેડે છીણી અને હથોડાથી બંધ ઓફિસોના બારી-દરવાજા તોડીને આગ બૂઝાવી, ફર્નિચર તથા સામગ્રીનું નુકસાનઃ પાંચ કલાકે કાબુમાં
મુંબઇ : લોઅર પરેલના કમલા મિલ્સમાં ૧૪ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં આજે આગ લાગી હતી આગને કાબૂમાં લેવાનું ઓપરેશન સાડા પાંચ કલાકે પૂર્ણ થયું હતું. આ બનાવમાં કોઇને ઇજા થઇ નહોતી. શોર્ટસર્કીટ કે અન્ય કયા કારણથી આગ લાગી એની તપાસ હાથ ધરવામાં આવી છે.
લોઅર પરેલ સ્થિત સેનાપતિ બાપટ માર્ગ પર કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ટાઇમ્સ ટાવર બિલ્ડિગંમાં આજે સવારે ૬.૨૯ વાગ્યે આગ લાગી હતી. આગ ૧૪ માળની કમર્શિયલ ઇમારતની પાછળની બાજુએ ત્રીજાથી સાતમાં માળના ઇલેકટ્રીક ડક્ટ સુધી પ્રસરી ગઇ હતી. આગમાં ઇલેક્ટ્રીક વાયરિંગ, ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન, ફોલ્સ સીલિંગ, ફર્નિચર ઓફિસ રેકોર્ડસ, એક્રેલિક શીટને નુકસાન થયું હતું.
આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ, સ્થાનિક પોલીસ, પાલિકા કર્મચારી ઘટનાસ્થળે દોડી આવ્યાહતા.
અગ્નિશામક ઘટના જવાનોએ બીજા માળથી ૧૪મા માળ સુધીની ઓફિસોના દરવાજાના તાળા તોડવા માટે છીણી અને હથોડીનો ઉપયોગ કર્યો હતો.
આગની જવાળાઓ અને ધુમાડો દૂરથી જોઇ શકાતો હતો આગની ઘટનાના વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. એમાં એક બાજુથી ટાઇમ્સ ટાવર સળગતા જોઇ શકાતો હતો.
ફાયરબ્રિગેડના પહોંચતા પહેલા બિલ્ડિગના સિક્યુરિટી ગાર્ડે અગ્નિશામક સાધનો વડે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમણે હોઝ પાઇપનો ઉપયોગ કર્યો હતો.
અગ્નિશામક દળે આઠ ફાયર એન્જિન, સાત જમ્બો વોટર ટેન્કર, અને અન્ય સાધન સામગ્રીથી સવારે ૧૧.૫૪ વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ વિસ્તારમાં લોકો અને વાહનોની અવરજવર પર નિયંત્રણ મેળવવા સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા. આગ બૂઝાઇ ગયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
કમલા મિલ્સમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ડિસેમ્બર, ૨૦૧૭માં રાતે આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી પ્રસરી જતા લોકો બહાર નીકળી શક્યા નહોતા. જેના લીધે ૧૪ જણના મૃત્યુ થયા હતા. રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર રીતે હુક્કાનું સેવન કરવામાં આવી રહ્યુ ંહોવાનું કહેવાય છે.
પોલીસે આ મામલામાં રેસ્ટોરન્ટના માલિકો, સ્ટાફ, પાલિકાના અધિકારીઓ, સહિત ૧૪ વ્યક્તિ સામે કેસ નોંધ્યો હતો.