નાસિકથી દિલ્હી પહેલવહેલી કાંદા-એક્સપ્રેસ ગુડ્ઝ ટ્રેન દોડાવાશે
ઉત્તર ભારતમાં ડુંગળીના વધતા ભાવો ઘટાડવા માટે પગલું
એક જ ટ્રેનમાં 53 ટ્રક ભરાય એટલી ડુંગળી મોકલાશેઃ નોર્થ ઈસ્ટના પર્વતીય વિસ્તારોમાં પણ ટ્રકને બદલે ટ્રેનથી ડુંગળી મોકલવા માંગ
મુંબઈ : ઉત્તર ભારતમાં આસમાને જતા કાંદાના ભાવને કાબૂમાં લેવાના પ્રયાણ રૃપે મહારાષ્ટ્રના સૌથી મોટા કાંદા ઉત્પાદક ક્ષેત્ર નાસિક જિલ્લામાંથી દિલ્હી સુધી પહેલવહેલી કાંદા-એક્સપ્રેસ ગુડ્ઝ ટ્રેન રવાના કરવામાં આવશે. આ એક જ ટ્રેનના વેગનોમાં ૩૫ ટ્રક ભરાય એટલા કાંદા ભરીને ૨૦મી ઓક્ટોબરે દિલ્હી પહોંચાડવામાં આવશે.
દિલ્હી પછી ઉત્તર પ્રદેશના લખનઉ અને વારાણસી પણ આવી જ રીતે ગુડ્ઝ ટ્રેનમાં કાંદાનો પુરવઠો મોકલવામાં આવશે એમ કેન્દ્ર સરકારના ગ્રાહકોને લગતી બાબતોના વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાનું લાસલગાંવ કાંદાના વેપારનું મોટામાં મોટું મથક છે. એટલે નજીકના ભવિષ્યમાં નોર્થ-ઈસ્ટના ન્યુ જલપાઈ ગુડી, દિબુ્રગઢ, ન્યુ તીનસુખીયા અને આંગસેરી સુધી કાંદા એક્સપ્રેસ ગુડ્ઝ ટ્રેન દોડાવવાની રેલવે મંત્રાલયને વિનંતી કરવામાં આવી છે. કારણકે નોર્થ-ઈસ્ટના પહાડી વિસ્તારમાં માલવાહક ટ્રકો દ્વારા માલ પહોંચાડવામાં ખૂબ સમય થાય છે. ટ્રેન દ્વારા ઝડપથી માલ પહોંચાડી શકાય છે. આમ મહારાષ્ટ્રના કાંદા ટ્રેન દ્વારા ઝડપથી રવાના કરવાની શરૃઆત થવાથી મહારાષ્ટ્રના ખેડૂતોને પણ લાભ થશે.
કાંદાના ભાવમાં સ્થિરતા જળવાય તે માટે કેન્દ્ર સરકારે રવિ પાકના ૪.૭ લાખ ટન કાંદાની ખરીદી કરીને બફર સ્ટોક કર્યો હતો. ત્યાર પછી સપ્ટેમ્બરથી આ કાંદા ૩૫ રૃપિયે કિલોના ભાવે વેંચવાની શરૃઆત કરી છે. અત્યાર સુધીમાં ૯૨ લાખ ટન કાંદાનું વેચાણ થયું છે. નવા લાલ કાંદા આવવાની શરૃઆત થયા પછી ભાવ ઘટવા માંડયા છે. લાસણ ગાંવમાં કાંદાનું ૪૦ રૃપિયે કિલો વેચાણ થયું છે. થોડા દિવસ પહેલાં મુંબઈ, થાણે, નવી મુંબઈમાં કાંદાના ભાવ ૭૦ રૃપિયે કિલોની આસપાસ પહોંચી ગયા હતા. પણ હવે ભાવ ઘટવા માંડયા છે.