શિર્ડી મંદિરના કોન્ટ્રાક્ટર પરના કર્મચારી દ્વારા જ ડુપ્લીકેટ પાસનું વેચાણ
હજારો ભક્તોને નકલી પાસ પધરાવી દેવાયાની શંકા
દર્શન તથા આરતીના પાસ માટે આઈ કાર્ડ ફરજિયાત હોવા છતાં કર્મચારીનું કારસ્તાન
મુંબઈ : શિર્ડી સાઈ મંદિરના કોન્ટ્રાક્ટ પરના કર્મચારી દ્વારા અનેક ભાવિકોને નકલી દર્શન પાસ પધરાવી દેવાયા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ સંદર્ભમાં મુંબઈની એક કંપની દ્વારા કોન્ટ્રાક્ટ પર મૂકાયેલા કર્મચારી સામે પોલીસ ફરિયાદ થઈ છે.
સાઈ સંસ્થાનના ચાર નંબરના પ્રવેશદ્વાર પર તૈનાત સિક્યુરિટી જવાનને પાસની અસલિયત વિશે શંકા ગઈ હતી. તેના પરથી આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. મંદિરના સિક્યોરિટી અધિકારીની ફરિયાદના આધારે સાગર રમેશ આવ્હાડ નામના કર્મચારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાગર રમેશ આવ્હાડ પ્રકાશન વિભાગમાં ડીટીપી ઓપરેટર તરીકે કોન્ટ્રાકટ પર ફરજ બજાવતો હતો. આ નકલી પાસનું વેચાણ અનેક દિવસોથી ચાલી રહ્યું હોવાની આશંકા છે.
શિર્ડી સાઈ મંદિરના નકલી પાસનું કૌભાંડ અગાઉ પણ બહાર આવી ચૂક્યું છે. આ સંદર્ભમાં મંદિરના સંચાલકો દ્વારા અગાઉ જ દર્શનના કે આરતીના પાસ મેળવવા ઈચ્છતી વ્યક્તિ માટે પોતાનું આઈકાર્ડ દર્શાવવું ફરજિયાત કરી દેવાયું છે. જોકે, તેમ છતાં આ કર્મચારી દ્વારા નકલી પાસ આટલા દિવસોથી કઈ રીતે ઈશ્યૂ થયા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
૩૧ ડિસે.એ આખી રાત મંદિર ખુલ્લું રહેશે
હજારો ભાવિકો નવાં વર્ષના પ્રારંભ નિમિત્તે દર્શને આવતા હોય છે. આથી, તા. ૩૧મી ડિસેમ્બરની આખી રાત મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. ભક્તોના સંભવિત ધસારાને જોતાં તા. ૩૧મીની રાતની શેજા આરતી તથા તા. પહેલી જાન્યુઆરીના સવારના ૫.૧૫ વાગ્યાની કાકડ આરતી રદ કરવામાં આવી છે. શિર્ડી સાઈ બાબા સંસ્થાન દ્વારા તા. ૨૯મી જાન્યુઆરીથી ચાર દિવસ માટે શિર્ડી મહોત્સવનું આયોજન કરાયું છે. તેમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી ધારણા છે.