દુંદાળા દેવને વિદાય આપવા આજે મુંબઈ માર્ગો પર ઉમટશે

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
દુંદાળા દેવને વિદાય આપવા આજે મુંબઈ માર્ગો પર ઉમટશે 1 - image


સમગ્ર શહેરમાં 19 હજારથી વધુ પોલીસ કર્મીઓ તૈનાત

ગીરગામ ચોપાટી, દાદર સહિતના દરિયાકાંઠાઓ પર ભીડ જામશેઃ લાઈફગાર્ડ સહિતની વ્યવસ્થાઓઃ ખાસ કન્ટ્રોલરુમથી વ્યવસ્થાપન

મુંબઇ :  અનંત ચતુર્દશી નિમિત્ત આવતીકાલે સમગ્ર મુંબઈ ગણપતિને વિદાય આપવા માટે માર્ગો પર અને ત્યાંથી નજીકના દરિયાકાંઠાઓ પર ઉમટશે. લાખો લોકો માર્ગો પર હોવાથી મુંબઈ પોલીસે જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ ૧૯ હજારથી વધુ પોલીસ કર્મીઓ આવતીકાલ આખો દિવસ અને કાલની આખી રાત પણ શહેરમાં ખડેપગે રહેશે. ગિરગામ ચોપાટી, દાદર ચોપાટી સહિતના દરિયાકાંઠાઓ સહિતના જળાશયો પર વિસર્જન સુરક્ષિત રીતે પાર પડે તે માટે બોટ્સ ,તરાપા, લાઈફ ગાર્ડ સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. 

પોલીસ બંદોબસ્તમાં ૧૬,૨૫૦ કોન્સ્ટેબલ, ૨,૮૬૬ અધિકારીઓ, ૪૪ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, ૨૫ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, આઠ એડિશનલ કમિશનર ઓફ પોલીસ અને અન્ય સિનિયર ઓફિસરનો સમાવેશ છે. આ સિવાય સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ) રેપિડ એક્શન ક્વિક રિસ્પોન્સ ટીમ ક્યુઆરટી અને હોમગાર્ડસ શહેરમાં મહત્વપૂર્ણ સ્થળોએ ખડેપગે હાજર રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. 

ગણપતિ વિસર્જન વખતે મોટી સંખ્યામાં મુંબઇગરાઓ રસ્તા પર ઉમટી પડે છે. આથી પોલીસ કાયદો અને સુવ્યવસ્થા જાળવવા દરેક ગતિવિધી પર નજર રાખી રહી છે. અનંતચતુર્દશીના ગિરગાવ, દાદર, જૂહુ,  માર્વે, અક્સા બીચ સહિત ૭૩ સ્થળોએ હજારો ઘરગથ્થુ અને સાર્વજનિક ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.

મુંબઇ મહાનગરપાલિકાએ પણ વિસર્જનની તૈયારીઓ કરી લીધી છે. શહેરમાં તમામ સરઘસો પર સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. પોલીસકર્મી સાદા કપડામાં ભીડમાં હાજર રહેશે. ગણેશ વિસર્જન માટે અલગ કન્ટ્રોલરૃમ બનાવવામાં આવ્યા છે. 

નોંધનિય છે કે શુક્રવારે ઇદ-એ- મિલાદ માટે પણ આ જ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. પોલીસે અપીલ કરતા અનંત ચતુર્દશીને ધ્યાનમાં રાખીને વિવિધ મુસ્લિમ સંગઠનો અને ધર્મ ગુરુઓએ ગુરુવારને બદલે શુક્રવારે ઇદ-એ- મિલાદના જૂલુસ કાઢવાનો નિર્ણય લીધો છે.



Google NewsGoogle News