Get The App

આઇપીએસ મોક્ષદા પાટીલનું ડમી એકાઉન્ટ બનાવી લાખોની ઠગાઈ

Updated: Mar 30th, 2023


Google NewsGoogle News


આઇપીએસ મોક્ષદા પાટીલનું ડમી એકાઉન્ટ બનાવી લાખોની ઠગાઈ 1 - image

સાયબર માફિયા બેફામ, પોલીસ અધિકારીના નામે જ છેંતરપિંડી

મોક્ષદાના પતિ પણ આઈએએસ અધિકારીઃ અનેક સનદી અને આઈપીએસ અધિકારીઓએ ચેરિટીના નામે પૈસા મોકલી છેતરાઈ ગયા

મુંબઇ :  મહારાષ્ટ્રની લેડી સિંઘમ મનાતી મહિલા આઇપીએસ અધઇકારી મોક્ષદા પાટીલના નામે બનાવટી ટ્વિટર એકાઉન્ટ બનાવી દેશભરના આઇપીએસ અધિકારીઓને મેસેજ મોકલી વસૂલી કરવામાં આવી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. 

અજાણ્યા ફ્રોડસ્ટરે પાટીલના બનાવટી ટ્વિટર એકાઉન્ટ પરથી મેસેજ મોકલી ગરજવાન અને નિરાધાર લોકોને ચેરિટી માટે ડોનેશન મોકલવાની રિકવેસ્ટ કરી હતી. આ વાતની જાણ પાટીલને થતા તેમણે તરત જ ફ્રોડસ્ટરોને પકડી પાડવાની તાકિદ કરી હતી.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર પાટીલના બનાવટી ટ્વિટર એકાઉન્ટ પરથી ડોનેશનનો મેસેજ જતા આ મેસેજ ખરેખર પાટીલે જ મોકલ્યો હોવાનુ માની ઘણા લોકોએ ફોન-પેના માધ્યમથી પૈસા મોકલી આપ્યા હતા. ધીરે ધીરે આ વાતની જાણ સ્થાનિક અધિકારીઓને પણ થઇ હતી. ત્યારબાદ અમૂક પરિચિત અધિકારીઓએ મોક્ષદા પાટીલને આ બાબતે પૂછી જ લીધું હતું કે તેમણે આવા કોઇ મેસેજ મોકલ્યા છે કે? આ પ્રકારના સવાલ પૂછવામાં આવતા તેમને પણ આશ્ચર્ય થયું હતું. તેમને જ્યારે તેમના નામનું બનાવટી ટ્વિટર એકાઉન્ટ બનાવી લોકો પાસેથી પૈસાની માગણી કરવામાં આવી હોવાનું જણાતા તેમણે તરત જ સાયબર પોલીસને આ કેસ વધુ તપાસ માટે સૌંપી દીધો હતો.

મોક્ષદા પાટીલ મહારાષ્ટ્રના લેડી સિંઘમ તરીકે પ્રખ્યાત છે. તેમના પતિ આઇએએસ અધિકારી છે અને છત્રપતિ સંભાજીનગરના જિલ્લાધિકારી તરીકે કાર્યરત છે.  મોક્ષદા પાટીલે પ્રથમ સાયબર ઠગાઇની જાણ છત્રપતિ સંભાજીનગરના ગ્રામિણ પોલીસને કરી હતી ત્યારબાદ સાયબર પોલીસ પણ આ ઘટનાની તપાસમાં લાગી ગઇ છે. હાલ ટ્વિટરને આ બાબતની જાણ કર્યા બાદ બનાવટી એકાઉન્ટ બંધ કરાવવામાં આવ્યું છે. જો કે તે પહેલા સાયબર ફ્રોડસ્ટરે ઘણાને ઠગી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન મહારાષ્ટ્રમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારી જેવા ઉચ્ચાધિકારીઓના નામે બનાવટી એકાઉન્ટ ઉઘાડી ઠગાઇ થઇ શકતી હોય તો સામાન્ય માણસને ઠગવો  ફ્રોડસ્ટરો માટે ડાબા હાથનો ખેલ છે તેવું લોકો માનતા થયા છે.



Google NewsGoogle News