વાદળાં અને પ્રદૂષણના કારણે મુંબઈનું વાતાવરણ ભારે ધૂંધળું
દ્રષ્ટિક્ષમતા ઘટી, નજીકની બિલ્ડિંગ પણ દેખાતી બંધ થઈ
મહારાષ્ટ્રનાં 12 સ્થળોએ ઠંડીનો પારો 10 થી 13 ડિગ્રી : વિદર્ભ આખું ટાઢુંબોળઃ કોંકણ પટ્ટીમાં શિયાળો ગાયબ
મુંબઇ : મુંબઇનું ગગન આજે સવારથી વાદળિયું રહ્યું હતું. મહાનગરનાં અમુક પરાંમાં તો વાતાવરણ ધૂંધળું થઇ ગયું હતું. ધૂંધળા વાતાવરણને કારણે ઉંચી ઇમારતો ઝાંખી દેખાતી હતી. દ્રષ્ટિક્ષમતા પણ થોડીક ઘટી ગઇ હતી. મુંબઈમાં સરેરાશ એક્યુઆઈ ૧૫૦ નોંધાયો હતો જે મધ્યમ કક્ષાની હવાની ગુણવત્તા સૂચવે છે.
આજે મહારાષ્ટ્રમાં કોંકણ સિવાયનાં ૧૨ સ્થળોએ ઠંડીનો પારો ૧૦.૦ થી૧૩.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો ટાઢોબોળ નોંધાયો હતો. કોંકણનાં મુંબઇ સહિત દહાણુ, અલીબાગ, રત્નાગિરિ વગેરે સ્થળોએ લઘુત્તમ તાપમાન ૨૧.૦ થી ૨૩.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યની સમુદ્રી પટ્ટી પરનાં તમામ સ્થળોએ હજી શિયાળાનો ગમતીલો માહાલ નથી સર્જાયો.
હવામાન ખાતાના(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર સુનિલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ અરબી સમુદ્રના અગ્નિ હિસ્સામાં ૪.૫ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુેશનની પરિસ્થિતિ સર્જાઇ છે.સાથોસાથ સમુદ્રની સપાટીથી ૧૫.૦ કિલોમીટરના અંતરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ છે. અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે મુંબઇ અને નજીકનાં સ્થળોએ વાતાવરણમાં ભરપૂર ભેજ ઠલાઇ રહ્યો છે.
ભેજને કારણે જ મુંબઇનું આકાશ વાદળછાયું થઇ ગયું છે. આમ છતાં આ વાદળો વરસાદી નહીં હોવાથી મુંબઇ અને તેના નજીકના વિસ્તારમાં વરસાદની શક્યતા નથી. હા, તાપમાનમાં આછેરો વધારો થવાની શક્યતા ખરી.
મુંબઇ સહિત નજીકનાં સ્થળોએ આવતા ચારક દિવસ(૨૩ થી ૨૬-ડિસેમ્બર) દરમિયાન હવામાન સૂકું રહેવાની સંભાવના ખરી. જોકે વિદર્ભમાં લઘુત્તમ તાપમાન સરેરાશ કરતાં ૨-૩ ડિગ્રી જેટલું ઓછું રહેવાની શક્યતા છે.હાલ પવનો ઇશાન દિશામાંથી અને વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા છે.
૨૫, ડિસેમ્બર બાદ પવનની દિશા સંપૂર્ણપણે ઉત્તરની એટલે કે હિમાલય તરફની થવાની સંભાવના છે. પવનો હિમાલયમાંથી ફૂંકાવા શરૃ થશે. સાથોસાથ આ જ દિવસો દરમિયાન હિમાલય સહિત આખા ઉત્તર ભારતમાં બરફ વર્ષા પણ થવાની સંભાવના છે.એટલે મુંબઇગરાં ઠંડી ઠંડી કૂલ કૂલ નાતાલનો આનંદ માણી શકશે.
આજે મુંબઇના કોલાબામાં દિવસનું તાપમાન ૩૦.૨ અને રાતનું તાપમાન ૨૩.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં દિવસનું તાપમાન૩૨.૩ અને રાતનું તાપમાન ૨૧.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આજે મહારાષ્ટ્રના વિદર્ભનું ગોંદિયા ૯.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા રાજ્યનું સૌથી ટાઢુંબોળ સ્થળ રહ્યું હતું. આજે વિદર્ભના યવતમાળનું લઘુત્તમ તાપમાન૧૦.૫, ચંદ્રપુર -૧૦.૮, બ્રહ્મપુરી --૧૧.૧, નાગપુર --૧૧.૫, વર્ધા --૧૨.૦,વાશીમ --૧૨.૨ ડિગ્રી સેલ્સયસ નોધાયું હતું. મધ્ય મહારાષ્ટ્રનાં જળગાંવ -૧૦.૦, પુણે --૧૩.૩, અહમદનગર --૧૨.૫ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. મરાઠવાડાનાં પરભણી -૧૨.- ૦, ઉસ્માનાબાદ --૧૨.૯, નાંદેડ --૧૩.૦ ડિગ્રી, જ્યારે કોંકણનાં દહાણુ --૨૧.૧, અલીબાગ -- ૧૯.૧,રત્નાગિરિ -૨૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.