જથ્થાબંધ માર્કેટમાં સૂકામેવાના ભાવ સ્થિર તો રીટેલ માર્કેટમાં ભાવ બમણો
મુંબઈગરાં દરરોજ 15 ટન ડ્રાયફ્રૂટ્સ ખરીદે છે
નવી મુંબઈ એપીએમસી માર્કેટમાં કોંકણ, ગોવા અને આફ્રિકન દેશમાંથી કાજુ તો કેલિફોર્નિયાથી બદામ મગાવાય છે
મુંબઈ : દિવાળીના તહેવારમાં સૂકામેવાની માગણી વધી જતી હોય છે. આથી તે સમયગાળા દરમ્યાન ડ્રાયફ્રૂટ્સના ભાવમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો જોવા મળતો હોય છે. પરંતુ હવે મુંબઈગરાં બારેમાસ સૂકામેવાની ખરીદી કરતાં થયાં છે. આથી રીટેલ માર્કેટમાં આ ભાવવધારો બમણો થયો છે. રીટેલ માર્કેટમાં પિસ્તા, ચારોળી, અંજીર અને અખરોટ ૧૭૦૦ થી ૩૫૦૦ રુપિયા કિલોના ભાવે વેંચાય છે.
મુંબઈગરાં અને મિઠાઈ વ્યવસાયિકો તરફથી દરરોજની આશરે ૧૫ ટન સૂક ોમેવાની માગ હોય છે. સૂકોમેવો હવે માત્ર મિઠાઈ પૂરતો મર્યાદિત ન રહેતાં તમામ સ્તરના ગ્રાહકો તરફથી તેની માગણી અને ખરીદી થાય છે. મુંબઈ એપીએમસી માર્કેટમાં કાજુ એ કોંકણ સહિત ગોવા અને આફ્રિકન દેશમાંથી પણ આવે છે તો બદામ કેલિફોર્નિયાથી આવે છે. એપીએમસીમાં ડ્રાયફ્રૂટ્સનો પૂરતો સંગ્રહ હોવાથી ભાવ સ્થિર હોવાનું જથ્થાબંધ માર્કેટના એક વેપારીઓ પાસેથી જાણવા મળ્યું હતું.
જોકે રીટેલ માર્કેટમાં સૂકામેવાનો ભાવ વધી ગયો છે. ચારોળી ૩૫૦૦ થી ૩૮૦૦ રુપિયે કિલો, અંજીર ૧૭૦૦ થી ૧૯૦૦ રુપિયે કિલો, પિસ્તા ૧૭૦૦ થી ૨૨૦૦ રુપિયા કિલો અને અખરોટ ૨૨૦૦ રુપિયા કિલોના ભાવે વેંચાઈ રહ્યા છે. આજ ભાવ જો જથ્થાબંધ માર્કેટમાં જોઈએ તો ત્યાં ચારોળી ૧૮૫૦ થી ૨૬૦૦ રુપિયે કિલો, અંજીર ૬૫૦ થી ૨૦૦૦ રુપિયા કિલોએ મળી રહ્યા છે. તો પિસ્તાના ૧૫૫૦ થી ૨૨૫૦ અને અખરોટના ૯૫૦ ૧૪૦૦ રુપિયા ભાવ બોલાઈ રહ્યા છે.