વિક્રોલીમાં દારુડિયા કાર ચાલકે માતા-પુત્રી સહિત ૩ને અડફેટે લીધાં
એલબીએસ રોડ- વિક્રોલી પર ગોદરેજ કંપની પાસે અકસ્માત
માતા-પુત્રી ટુ વ્હીલર પર હતાં, અન્ય રાહદારીને પણ ટક્કર ઃ ઘોડબંદર રોડના ડ્રાઈવરની ધરપકડ
મુબંઇ: વિક્રોલી પાર્કસાઈટ પોલીસે શનિવારે સાંજે વિક્રોલીના એલ.બી.એસ. રોડ પર ગોદરેજ કંપની પાસે દારૂના નશામાં બેફામ વાહન ચલાવી ત્રણ જણને અડફેટમાં લેનાર ૪૯ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. ભાંડુપના કમલ પાર્કમાં રહેતા પીડિતા સુરેખા માંજરેકર (૪૨)એ આરોપી ડ્રાઈવર રવિન્દ્ર હરભજનસિંહ વિરુધ્ધ એફઆઈઆર નોંધાવી હતી. તેજા ઘોડબંદર રોડ પર આવેલ કાસારવડવલીનો રહેવાસી છે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર શનિવારે સુરેખા વિકેન્ડ હોવાથી ૪૩ વર્ષીય પતિ દિનેશ અને ૧૭ અને ૧૩ વર્ષની બે પુત્રી વૈદેહી અને અસ્મી સાથે ઘાટકોપરના મોલમાં ગયા હતા. તેઓ ખરીદી આદિ પતાવી રાત્રે ૧૦.૩૦ વાગ્યે બે અલગ- અલગ સ્કુટરમાં ઘરે પાછા ફરી રહ્યા હતા. સુરેખા અને તેની પુત્રી વૈદીહી સ્કુટરમાં આગળ હતા જ્યારે પતિ દિનેશ અને પુત્રી અસ્મી તેમની પાછળ આવી રહ્યા હતા. રાત્રે પોણા અગીયાર વાગ્યે જ્યારે આ લોકો ગોદરેજ કંપની પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ વેગેર આવેલા તેજાના વાહને તેમના ટુ વ્હીલરને અડફેટમાં લીધું હતું. આ અથડામણ બાદ તેમનું સ્કૂટર સ્લીપ થઈ જતા તેઓ રસ્તા પર ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માતમાં સુરેખા અને વૈદેહીને હાથ, પગ, માથા અને આંખ પર ગંભીર ઈજા થઈ હતી. આ સિવાય તેમના વાહનની અડફેટે એક રાહદારી પણ આવી ગયો હતો. તેજાએ દારૂ પીધો હોવાથી તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને માતા- પુત્રીને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં ઈજા પામેલ રાહદારીની ઓળખ બદલાપુરમાં રહેતા ગણેશ (૪૭) કાંબલે તરીકે થઈ હતી. કાંબલેને ખભા પર મલ્ટીપલ ફ્રેકચર થયા હતા. જોકે હાલ તે ખતરાની બહાર છે.
આ ઘટના બાદ સુરેખાનો પતિ દિનેશ દોડી આવ્યો હતો અને ઘાયલોને પાસેની એક હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસે બધાના નિવેદન નોંધી તેજાની ધરપકડ કરી હતી. તેના બ્લડ રિપોર્ટના નમૂનાઓ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. બ્રેથ એનલાઈઝર ડિવાઈસમાં તેણે દારૂ પીધો હોવાનું સ્પષ્ટ થયું હતું.
તેજા સામે આઈપીસીની અને મોટર વેહિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.